ગાંધીનગર, 20 મે 2026: Wheat procurement deadline extended રાજ્યના ખેડૂતોના આર્થિક હિતમાં સરકારે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રવી માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત ઘઉંની ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાની છેલ્લી તારીખ, જે અગાઉ 15 મે નક્કી કરવામાં આવી હતી, તેને હવે લંબાવીને 15 જૂન, 2026 કરવામાં આવી છે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા આ મુદત વધારવામાં આવતા હવે બાકી રહી ગયેલા તમામ ખેડૂતો પોતાના પાકને ટેકાના ભાવે વેચી શકશે.
સરકારના આ ખેડૂતલક્ષી નિર્ણયથી અરવલ્લી જિલ્લાના નોંધાયેલા (રજીસ્ટર્ડ) 2500 થી વધુ ખેડૂતો સહિત સમગ્ર રાજ્યના હજારો ખેડૂતોને રાહત મળશે. સમયમર્યાદા ઓછી હોવાને કારણે જે ખેડૂતો અગાઉ પોતાના ઘઉં વેચી શક્યા નહોતા, તેઓ હવે આગામી 15 જૂન સુધી આ પ્રક્રિયાનો લાભ લઈ શકશે.
અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો, ચાલુ વર્ષે જિલ્લામાં રેકોર્ડબ્રેક 80 હજારથી વધુ હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર થયું છે. ઘઉંનું મબલક ઉત્પાદન થયું હોવાથી, જો ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવ મળે તો મોટું નુકસાન વેઠવું પડે તેમ હતું. પરંતુ હવે ખેડૂતોને પાક વેચવા માટે પૂરતો સમય મળશે. ટેકાના ભાવે ખરીદી થવાથી વચેટીયાઓથી મુક્તિ મળશે અને પૂરતા દામ મળશે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમના કેન્દ્રો પર ખરીદીની પ્રક્રિયા વધુ સુદ્રઢ કરાશે.
ખેડૂત સંગઠનો અને સ્થાનિક અગ્રણીઓએ સરકારના આ નિર્ણયને આવકારીને જણાવ્યું છે કે, ખરીદીની મુદત એક મહિનો લંબાવવાના કારણે ચોમાસા પૂર્વે ખેડૂતોના હાથમાં પોતાના પાકની સાચી કિંમત આવી જશે, જે તેમના માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.
વધુ વાંચો: પીએમ મોદી આજે રોમમાં ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે


