Site icon Revoi.in

હરિયાણાએ 31 માર્ચ, 2025 સુધીમાં નવા ફોજદારી કાયદાના 100% અમલીકરણની ખાતરી કરવી જોઈએઃ અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની ઉપસ્થિતિમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં હરિયાણામાં પોલીસ, જેલો, કોર્ટ, પ્રોસીક્યુશન અને ફોરેન્સિક સાથે સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, હરિયાણાના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી), પોલીસ સંશોધન અને વિકાસ બ્યૂરો (બીપીઆર એન્ડ ડી)ના મહાનિર્દેશક, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના મહાનિર્દેશક તથા ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

બેઠકમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રણ નવા અપરાધિક કાયદા નાગરિક અધિકારોના રક્ષક અને ‘ન્યાયની સરળતા’નો આધાર બની રહ્યા છે. ગૃહ મંત્રીએ હરિયાણાને 31 માર્ચ, 2025 સુધીમાં રાજ્યમાં નવા ગુનાહિત કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા અમિત શાહે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક જિલ્લામાં એકથી વધુ ફોરેન્સિક મોબાઇલ વાન ઉપલબ્ધ હોવી જોઇએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઝીરો એફઆઈઆર પર નજર રાખવાની જવાબદારી નાયબ પોલીસ અધિક્ષક (ડીવાય.એસ.પી.) રેન્કના અધિકારીની હોવી જોઈએ અને રાજ્યો અનુસાર તેનું અન્ય ભાષાઓમાં ભાષાંતર સુનિશ્ચિત થવું જોઈએ. ગૃહ મંત્રીએ કહ્યું કે, રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)એ તમામ પોલીસ કર્મચારીઓને સંવેદનશીલ બનાવવા જોઈએ કે સમયસર ન્યાય આપવો તેમની પ્રાથમિકતા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રીએ હરિયાણાના પોલીસ મહાનિદેશકને સૂચન કર્યું હતું કે તમામ પોલીસ અધિક્ષકો નિર્ધારિત સમયમર્યાદામાં કેસોની તપાસ કરે તે સુનિશ્ચિત કરે. તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણાના મુખ્યમંત્રીએ દર 15 દિવસે ત્રણ નવા કાયદાઓના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવી જોઈએ અને મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ સાથે અઠવાડિયામાં એક વખત સમીક્ષા કરવી જોઈએ.