શું તમે ક્યારેય પોતાની લાગણીઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે?
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે અનુભવો છો તેને ખરેખર સમજો છો? આપણે રોજિંદા જીવનમાં અનેક પ્રકારની લાગણીઓ અનુભવીએ છીએ, પરંતુ ઘણી વખત તેને ઓળખવા, સમજવા અને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે સમય કાઢતા નથી. હકીકતમાં, પોતાની લાગણીઓને ઓળખવાની અને સમજવાની ક્ષમતા વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય, સંબંધો અને જીવનની ગુણવત્તા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મોટાભાગના લોકો પોતાની લાગણીઓ વિશે કોઈ ને કોઈ રીત સુધી જાગૃત હોય છે. તેઓની પરિસ્થિતિ અનુસાર ખુશી, દુઃખ, ગુસ્સો, ઉત્સાહ, નિરાશા કે ચિંતા જેવી લાગણીઓનો અનુભવ કરતા હોય છે અને તેના આધારે પ્રતિક્રિયા પણ આપતા હોય છે. લાગણીઓ આપણને લોકો, વસ્તુઓ અને અનુભવો સાથે જોડવાનું કાર્ય કરે છે. એટલું જ નહીં, તે આપણી જરૂરિયાતો, ઇચ્છાઓ અને અપેક્ષાઓને સમજવામાં પણ મદદરૂપ બને છે. તેથી લાગણીઓને માનવજીવનની એક પ્રાથમિક અને અનિવાર્ય જરૂરિયાત તરીકે પણ જોઈ શકાય.
આ પણ વાંચોઃ ઝડપથી જોઈએ છે, પણ ધીરજ કે રાહ જોવી ગમતી નથી..
લાગણીઓ માત્ર મનમાં જ નહીં, પરંતુ શરીરમાં પણ પ્રગટ થતી હોય છે. જ્યારે આપણે ખુશ હોઈએ ત્યારે ચહેરા પર સ્મિત જોવા મળે છે, જ્યારે દુઃખી હોઈએ ત્યારે આંખોમાં આંસુ આવી શકે છે. ગુસ્સો, ડર, આશ્ચર્ય કે પ્રેમ જેવી લાગણીઓ પણ ચહેરાના હાવભાવ, શરીરની ભાષા અને વર્તન દ્વારા વ્યક્ત થતી હોય છે.
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર લાગણીઓ વ્યક્ત કરવાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. વિવિધ પ્લેટફોર્મ પર અનેક પ્રકારના ઈમોજી, રિએક્શન અને “Feeling Status” ઉપલબ્ધ હોય છે. પરંતુ એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું આપણે તે લાગણીને ખરેખર અનુભવીએ છીએ? શું આપણે તેની યોગ્ય સમજ ધરાવીએ છીએ?
લાગણીને માત્ર વ્યક્ત કરવી પૂરતી નથી; તેની અનુભૂતિ કરવી અને તેને સ્વીકારવી પણ એટલી જ જરૂરી છે. ખુશી, આનંદ, ઉત્સાહ, દુઃખ, ગુસ્સો, ચિંતા અને ભય જેવી મૂળભૂત લાગણીઓ દરેક વ્યક્તિના જીવનનો ભાગ છે. લાગણીઓ વ્યક્તિઓને પરસ્પર જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. જ્યારે કોઈ નજીકની વ્યક્તિ સાથે મતભેદ થાય છે અથવા સંબંધોમાં તણાવ ઊભો થાય છે, ત્યારે નકારાત્મક લાગણીઓ ઝડપથી અનુભવાય છે. આવી પરિસ્થિતિમાં માત્ર લાગણી અનુભવવી પૂરતી નથી, પરંતુ તેનું યોગ્ય સંચાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે. જેમ શરીરમાં ઈજા થાય અને લોહી નીકળે ત્યારે આપણે તરત જ તેની સારવાર માટે ફર્સ્ટ-એઇડનો ઉપયોગ કરીએ છીએ, તેમ મનને લાગેલી ભાવનાત્મક ઈજાઓ માટે પણ યોગ્ય સંભાળ જરૂરી છે.
આ પણ વાંચોઃ વ્યક્તિ ઘડતરઃ સામાજિક કૃતિ ઘડવા માટે પેરેન્ટિંગની કળા મહત્ત્વની આવડત છે
ઘણી વખત એવું બને છે કે આપણો મૂડ સારો ન હોય અને આખો દિવસ અસ્વસ્થતા અનુભવાય. કોઈ કામમાં મન ન લાગે, ચીડિયાપણું અથવા બેચેની અનુભવાય. આવી સ્થિતિમાં સૌથી પહેલાં પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાના મૂડ અને લાગણીઓની કાળજી રાખવા માટે આત્મજાગૃતિ ખૂબ જ જરૂરી છે. સંગીત સાંભળવું, વાંચન કરવું, કસરત કરવી, પ્રકૃતિમાં સમય પસાર કરવો અથવા વિશ્વાસુ વ્યક્તિ સાથે વાતચીત કરવી જેવી પ્રવૃત્તિઓ મૂડ સુધારવામાં મદદરૂપ બની શકે છે.
લાગણીઓને ઓળખવી, સ્વીકારવી અને તેનું યોગ્ય સંચાલન કરવું એ જીવનકૌશલ્ય છે. જે વ્યક્તિ પોતાની લાગણીઓને સમજવાની કળા શીખી જાય છે, તે જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.
મન:મર્મ – આજના ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા વધારવાની જરૂર છે. માઇન્ડફુલનેસ આધારિત પ્રવૃત્તિઓ વ્યક્તિને પોતાની લાગણીઓ, વિચારો અને વર્તન વચ્ચેનો સંબંધ સમજવામાં મદદ કરે છે.



