અમરેલી, 6 ઓગસ્ટ 2026 : Potholes on the Amreli-Lathi highway જિલ્લામાં વરસાદને લીધે તમામ રોડ-રસ્તાઓ જર્જરિત બન્યા છે. જેમાં ભાવનગર-અમદાવાદને જોડતો અતિ મહત્ત્વનો અમરેલી-લાઠી હાઇવે પર ઠેર ઠેર ખાડા પડતા વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. હાઈવે પર ઊંડા ખાડાઓને કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય રહે છે. લાઠી અને વરસડા નજીક તો હાઈવે પર મોટા-મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે ફોર લેનનો નવો હાઇવે બનાવવા સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે.
અમરેલી-લાઠી હાઇવે ઘણાં વર્ષોથી બિસ્માર હાલતમાં છે. હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડતાં વાહનચાલકોમાં ભારે પરેશાન થઈ રહ્યા છે. આ હાઈવે પરથી ગાંધીનગર કે અન્ય સ્થળે જવા માટે પ્રદેશના સાંસદ, સ્થાનિક ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ અવારનવાર વૈભવી ગાડીઓમાં પસાર થાય છે. છતાં હાઈવેની ખરાબ સ્થિતિને ધ્યાને લેવામાં આવતી નથી. બીજી તરફ, બિસ્માર હાઈવેને લઈને સ્થાનિક લોકોએ અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા ન અસંતોષ ઊભો થયો છે.
જિલ્લાનો મહત્વનો ગણાતો અમરેલી-લાઠી હાઈવે પર વાહનોની અવરજવર ખૂબ જ વધારે રહે છે, તેમ છતાં હજુ સુધી હાઈવેને ફોરલેન બનાવવામાં આવ્યો નથી. રોડ સાંકડો હોવા ઉપરાંત ખાડાઓથી ભરેલો હોવાથી અકસ્માત ગંભીર અકસ્માતની ઘટના બને છે. ત્યારે આ રોડને ફોરલેન બનાવવામાં આવે અથવા તો પ્રાથમિક તબક્કે આ ખાડાઓનું યોગ્ય રીતે પેચવર્ક કરીને રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોએ માગ કરી છે.


