અમદાવાદ, 6 ઓગસ્ટ 2026 : Schools that declared a holiday due to rain may voluntarily remain open on Sunday. શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે ડીઈઓના આદેશથી શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી, જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બાકી રહી ગયો હતો. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રવિવારના જાહેર રજાના દિવસે શાળાઓ સ્વૈચ્છિકરીતે ચાલુ રાખી શકાશે.
અમદાવાદના ડીઈઓએ કરેલા પરિપત્ર મુજબ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો જરૂર જણાય તો સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક ધોરણે રવિવારે પણ સ્કૂલો ચાલુ રાખી શકશે. આ સમય દરમિયાન અભ્યાસક્રમ પૂર્ણ કરવો, પુનરાવર્તન કરાવવું અને મૂલ્યાંકન જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે. જો કે, આ માટે સ્કૂલોએ વિદ્યાર્થીઓની સલામતી અને હવામાનની સ્થિતિને પ્રાથમિકતા આપવાની રહેશે. સાથોસાથ, વાલીઓને આ અંગે અગાઉથી જાણ કરવાની રહેશે અને શિક્ષકોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને જ આયોજન કરવાનું રહેશે.
મહત્વનું છે કે ગત 31 જુલાઇ અને 1 ઑગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી, જેથી રેગ્યુલર થતું શૈક્ષણિક કાર્ય ખોરવાયું હતું. જેને ધ્યાને રાખીને DEO કચેરી દ્વારા સ્પષ્ટતા સાથે આદેશ કરવામાં આવ્યો છે કે આ સૂચના માત્ર શૈક્ષણિક કાર્યની ભરપાઈના હેતુસર માર્ગદર્શક સ્વરૂપે આપવામાં આવી છે અને રવિવારે શાળા ચાલુ રાખવાનો આખરી નિર્ણય સંપૂર્ણપણે શાળા સંચાલકોનો સ્વૈચ્છિક રહેશે.


