ઉત્તરપ્રદેશ, બિહાર અને છત્તીસગઢમાં ભારે વરસાદ, પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
નવી દિલ્હી, 30 જૂન 2026: દેશના વિવિધ ભાગોમાં હવામાનનો મિજાજ સતત જોખમી બની રહ્યો છે. એક તરફ ભારે વરસાદ, વાવાઝોડું અને આકાશી વીજળી તબાહી મચાવી રહ્યા છે, તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં અસહ્ય ગરમી લોકોને બેહાલ કરી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાં આકાશી વીજળી અને ભારે પવનના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું હોવાના અહેવાલો છે.
ઉત્તર પ્રદેશમાં ચોમાસાના આગમન પહેલા જ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. રાજધાની લખનૌ સહિત 15 જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ફિરોઝાબાદના એક ગામમાં વાવાઝોડા દરમિયાન એક વિશાળ લીમડાનું ઝાડ પસાર થઈ રહેલા ઈ-રિક્શા પર ખાબક્યું હતું. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ઈ-રિક્શામાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મિર્ઝાપુરમાં ભારે વરસાદને કારણે એક અંડરપાસમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ ઉપરાંત, બસ્તી અને મહારાજગંજ જિલ્લામાં આકાશી વીજળી પડવાના કારણે બે લોકોના મોત થયા છે.
બિહારના 15 જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની વચ્ચે સીતામઢી, મુંગેર અને પટનામાં આકાશી વીજળી પડતાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 24 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. છત્તીસગઢના સરગુજા જિલ્લામાં સોમવારે સાંજે વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં બે નિર્દોષ બાળકો અને એક યુવકનું મોત નીપજ્યું હતું. પૂર્વોત્તરના રાજ્યો આસામ અને અરૂણાચલ પ્રદેશમાં સતત પડી રહેલા વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આસામના જોનાઈ વિસ્તારમાં લેકુ નદીના પૂરના પાણી ફરી વળતા નેશનલ હાઈવે-515 જળમગ્ન થઈ ગયો છે. ‘આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી’ના જણાવ્યા અનુસાર, રાજ્યના 6 જિલ્લાના 96 ગામો પૂરની ઝપેટમાં છે અને 22 હજારથી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે.
-
બીજી તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ: દિલ્હી-હરિયાણા શેકાયા
જ્યાં એકતરફ દેશના કેટલાય રાજ્યો પૂર અને વરસાદનો સામનો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. આ રાજ્યોના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર નોંધાયું છે. હરિયાણાના રોહતકમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ અને દેશની રાજધાની દિલ્હીમાં 43.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 24 જૂને મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. અત્યાર સુધીમાં તે દેશના 22 રાજ્યોને આવરી ચૂક્યું છે, જો કે હાલ તેની ગતિ થોડી ધીમી પડી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 5 જુલાઈ સુધીમાં ચોમાસું સમગ્ર દેશને કવર કરી લેશે.
-
આગામી બે દિવસની હવામાન આગાહી (વેધર એલર્ટ)
1 જુલાઈના રોજ છત્તીસગઢ, તેલંગાણા, ઓડિશા, કેરળ, ગોવા, તમિલનાડુ અને પૂર્વોત્તર રાજ્યો (આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ) માં ભારે વરસાદની સંભાવના છે. બિહારમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાનું એલર્ટ છે, જ્યારે રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ અને વરસાદની શક્યતા છે. 2 જુલાઈના રોજ આંધ્રપ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ છે. બીજી તરફ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતી ક્ષેત્રમાં હીટવેવ (લૂ) ની ચેતવણી આપવામાં આવી છે. જો કે, મધ્ય પ્રદેશના બૈતુલ અને છિંદવાડા સહિત આશરે ૫૦ જિલ્લાઓમાં 2 જુલાઈથી નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અપીલ કરી છે કે, ખરાબ હવામાન દરમિયાન લોકોએ ખુલ્લા મેદાન, ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવું અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીનું ચુસ્તપણે પાલન કરવું.


