નવી દિલ્હી, 24 જૂન 2026: વિવિધ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શનના જોરે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલે આઈસીસીની તાજેતરની વનડે બેટિંગ રેન્કિંગમાં બીજું સ્થાન મેળવી લીધું છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ઇતિહાસ રચીને ભારતની શાન જસપ્રિત બુમરાહ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. ટેસ્ટ બેટિંગ રેન્કિંગના ટોચના સ્થાને મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટે શાનદાર વાપસી કરતા ફરી એકવાર નંબર-1 નું સ્થાન કબજે કર્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 46 અને 77 રનની ઇનિંગ્સના જોરે રૂટ 2 સ્થાન આગળ વધ્યો છે. તેણે પોતાના જ સાથી ખેલાડી હેરી બ્રુક અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને પાછળ છોડીને કરિયરમાં 12મી વખત ટોચનું સ્થાન મેળવ્યું છે.
આ ઉપરાંત તાજેતરના ધમાકેદાર પ્રદર્શન બાદ શુભમન ગિલ 3 સ્થાનના ફાયદા સાથે વનડે બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તે હવે ટોચના સ્થાને રહેલા ડેરીલ મિશેલથી માત્ર 24 રેટિંગ પોઈન્ટ પાછળ છે. આ ઉપરાંત, ભારતના ઈશાન કિશને પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. તે 21 સ્થાનની મોટી છલાંગ લગાવીને વનડે બેટિંગ રેન્કિંગમાં સંયુક્ત રીતે 43મા સ્થાને પહોંચી ગયો છે. અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ પૂરી થયા બાદ ભારતીય બોલરોને પણ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ભારતના ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શનના દમ પર 16 સ્થાનની છલાંગ લગાવી છે અને તેઓ વનડે બોલરોની યાદીમાં 22મા સ્થાને પહોંચી ગયા છે. તેમની સાથે જ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણા પણ 34 સ્થાન ઉપર ચઢીને સંયુક્ત રીતે 58મા સ્થાને આવી ગયા છે, જ્યારે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર 17 સ્થાન આગળ વધીને આ જ યાદીમાં સંયુક્ત રીતે 71મા સ્થાને પહોંચી ગયા છે.
ટેસ્ટમાં મેટ હેનરીનો ઐતિહાસિક કમાલ
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેનરી ટેસ્ટ બોલર્સની રેન્કિંગમાં નંબર-1 પર પહોંચનારો પોતાના દેશનો માત્ર ત્રીજો ખેલાડી બન્યો છે. ધ ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મેચ વિનિંગ 11 વિકેટ ઝડપીને તેણે ટોચના સ્થાને ભારતના જસપ્રિત બુમરાહની બરાબરી કરી લીધી છે. નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાને પાછળ છોડ્યા બાદ બુમરાહ એકલો ટોચ પર હતો, પરંતુ હેનરીના શાનદાર પ્રદર્શને તેને બુમરાહ સાથે સ્થાન વહેંચવાની તક આપી છે. મેટ હેનરી હવે જેક કાઉવી (જેમણે 1947 માં આ સિદ્ધિ મેળવી હતી) અને ન્યૂઝીલેન્ડના દિગ્ગજ રિચર્ડ હેડલી (જેઓ 1984 અને 1990 ની વચ્ચે આ સ્થાન પર રહ્યા હતા) ની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. હેનરીના હાલમાં 870 રેટિંગ પોઈન્ટ્સ છે. આઈસીસી રેન્કિંગના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડના માત્ર બે જ ખેલાડી આનાથી વધુ રેટિંગ મેળવી શક્યા છે, જેમાં રિચર્ડ હેડલીએ 1985 માં 909 પોઈન્ટ્સ અને પૂર્વ કેપ્ટન કેન વિલિયમસને 2021 માં 919 નું બેટિંગ રેટિંગ મેળવ્યું હતું.

