અમદાવાદ, 24 જુન 2026 : Traffic diverted by closing the cut under Sola Bridge શહેરના એસ.જી. હાઈવે પર સોલા બ્રિજ નીચે પીક અવર્સ દરમિયાન સર્જાતી ટ્રાફિક જામની ગંભીર સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિ. તથા પોલીસ તંત્ર દ્વારા સંયુક્તરીતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હાઈવે પર આવેલા પ્રખ્યાત પેલેડિયમ મોલની સામેના સોલા બ્રિજ નીચેનો કટ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. સોલા બ્રિજ નીચેનો આ કટ બંધ થવાના કારણે વાહનચાલકોને કોઈ અગવડ ન પડે અને વાહનવ્યવહારની ગતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
શહેરના એસજી હાઈવે પર સોલા બ્રિજ નીચે પીકઅપ અવર્સમાં ટ્રાફિકજામની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની હતી. તેથી એએમસી અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત નિર્ણય લઈને સોલા બ્રિજ નીચેનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે. હવે એસ.જી. હાઈવેના બ્રિજની બંને તરફ, ખાસ કરીને પેલેડિયમ મોલની સામેથી આશરે ૧૦૦ મીટર આગળ અંતર રાખીને નવા યુ-ટર્ન (U-Turn) કટ આપવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થાથી વાહનો સીધા આડા આવીને ટ્રાફિક બ્લોક નહીં કરે અને લાંબી કતારોમાંથી મુક્તિ મળશે.
સોલા બ્રિજ નીચેનો કટ બંધ કરાતા નવી ટ્રાફિક વ્યવસ્થા અને ડાયવર્ઝનની કામગીરી કેટલી અસરકારક સાબિત થઈ રહી છે તેની સમીક્ષા કરવા માટે રાજ્યના ડીજીપી અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે પોતે મોરચો સંભાળ્યો હતો. આ બંને ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત રીતે પેલેડિયમ મોલ ચાર રસ્તા તેમજ કારગિલ ચાર રસ્તા વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને ટ્રાફિક ડાયવર્ઝનના આ નિર્ણયથી વાહનવ્યવહાર પર થતી અસરોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો આપ્યા હતા. તંત્રના આ પ્રો-એક્ટિવ પગલાંથી એસ.જી. હાઈવે પર દરરોજ પસાર થતા હજારો નાગરિકોને ટ્રાફિક જામથી મોટી રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે.


