
ભારત-અમેરિકા AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ માટે સાથે મળીને કામ કરશે : સ્મૃતિ ઇરાની
- નાસા અને ઇસરો સાથે મળીને કામ કરશે.
- માઇક્રોન ટેકનોલોજીએ ભારતમાં કરોડોનું રોકાણનો નિર્ણય લીધો
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા સાથે મળીને કૃત્રિમ બુદ્ધિમત્તા-AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ અને કોમર્શિયલ ઉપયોગ માટે સાથે મળીને કામ કરશે. આ હેતુથી બે કરોડ ડોલરની ગ્રાન્ટની મંજુરી અપાઈ છે. ભારત અમેરિકા સંયુક્ત ક્વાન્ટમ સંકલન વ્યવસ્થા ઉદ્યોગ, શિક્ષણવિદો અને સરકાર વચ્ચે આ ક્ષેત્રના સહકારને મજબૂત બનાવવા મદદરૂપ થશે. તેમ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું.
કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા અવકાશ, પુનઃ પ્રાપ્ય ઉર્જા, ખનિજ સલામતી અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર વધુ મજબૂત બનાવશે. અમેરિકાના મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેન વચ્ચે થયેલી મંત્રણામાં આ નિર્ણય લેવાયો છે.
સ્મૃતિ ઇરાનીએ વધુમાં કહ્યું કે, અવકાશમાં માનવીને મોકલવાના વ્યૂહાત્મક અભિયાનમાં નાસા અને ઇસરો સાથે મળીને કામ કરશે. એવી જ રીતે ભારત અને અમેરિકાએ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્રોતો ક્ષેત્રના સહકાર માટે સ્થાપેલા ટેકનોલોજી કાર્યમંચના લીધે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રનો સહકાર વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું કે, ખનિજોની પુરવઠા શ્રેણીના વિકાસ માટે બંને દેશો સાથે મળીને કામગીરી કરશે. ભારતમાં સેમિકંડક્ટરની એસેમ્બલી અને ટેસ્ટિંગની સુવિધા ઉભી કરવા માઇક્રોન ટેકનોલોજીએ 82 કરોડ, પચાસ લાખ ડોલરનું રોકાણ ભારતમાં કરવાનો નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે.