1. Home
  2. ગુજરાતી
  3. હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો ઉપર ફાયરિંગને લઈને ભારતીય નૌસેના એક્શન મોડમાં, એડવાઈઝરી જાહેર કરાઈ
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો ઉપર ફાયરિંગને લઈને ભારતીય નૌસેના એક્શન મોડમાં, એડવાઈઝરી જાહેર કરાઈ

હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો ઉપર ફાયરિંગને લઈને ભારતીય નૌસેના એક્શન મોડમાં, એડવાઈઝરી જાહેર કરાઈ

0
Social Share

નવી દિલ્હી, 20 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયાના દરિયાઈ માર્ગો પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં બે ભારતીય જહાજો પર ગોળીબારની ઘટના બાદ ભારતીય નૌસેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે. 18 એપ્રિલના રોજ બનેલી આ ઘટના બાદ નૌસેનાએ પર્શિયન ગલ્ફમાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજો માટે નવી એડવાઈઝરી જારી કરી છે અને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 18 એપ્રિલના રોજ બે ભારતીય જહાજો ‘જગ અર્ણવ’ અને ‘સનમાર હેરાલ્ડ’ પર ઈરાની ગાર્ડ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ બંને જહાજોને સલામતી ખાતર પરત ફરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે લારક ટાપુ હોર્મુઝના સૌથી સાંકડા બિંદુ પર આવેલો છે, જ્યાં ઈરાનનું તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રડાર સિસ્ટમનું નેટવર્ક અત્યંત સક્રિય છે.

આ સંકટ વચ્ચે પણ ભારતીય નૌસેનાએ વ્યૂહાત્મક રીતે જહાજોને સુરક્ષિત બહાર કાઢવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 11 ભારતીય જહાજો હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. છેલ્લું ટેન્કર ‘દેશ ગરિમા’ 18 એપ્રિલે સફળતાપૂર્વક આ માર્ગ પાર કરી ગયું હતું. હાલમાં આ જહાજ અરબી સમુદ્રમાં નૌસેનાના સુરક્ષા કવચ હેઠળ છે અને 22 એપ્રિલ સુધીમાં મુંબઈ બંદરે પહોંચવાની આશા છે.

ભારતીય નૌસેનાએ પર્શિયન ગલ્ફ પાસે તેના 7 શક્તિશાળી યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. હાલમાં 14 જેટલા ભારતીય જહાજો આ વિસ્તારમાં છે અને હોર્મુઝ પાર કરવા માટે પરવાનગીની રાહ જોઈ રહ્યા છે.  નવી એડવાઈઝરી અનુસાર, નૌસેનાએ જહાજોને લારક ટાપુથી દૂર રહેવા અને માત્ર નેવીના નિર્દેશ મુજબ જ આગળ વધવા સૂચના આપી છે. ઈરાની અડ્ડાઓ પરથી ઝડપી ગતિની નૌકાઓ દ્વારા થતા હુમલાઓને રોકવા માટે ભારતીય નૌસેના સતત રડાર અને ડ્રોન દ્વારા દેખરેખ રાખી રહી છે.

હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના તેલ પરિવહનનો 20 ટકા હિસ્સો ધરાવે છે. લારક ટાપુ ઈરાન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ છે, તેથી જ અહીંથી પસાર થતા જહાજો પર ઈરાની સેના કડક નજર રાખે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે આ રૂટ હવે ભારતીય વ્યાપારી જહાજો માટે પણ જોખમી બની રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code