Homeગુજરાતીદેશ-વિદેશપશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ 108.77 ડોલર પર પહોંચતા ભારતની ચિંતા...

પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ 108.77 ડોલર પર પહોંચતા ભારતની ચિંતા વધી

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત વધીને સીધી 108.77 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી, જે છેલ્લા ચાર મહિનાનો સૌથી ઊંચો સ્તર છે. સમાચાર લખાયા ત્યારે બ્રેન્ટ ક્રૂડ 107.75 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. માત્ર એક જ સપ્તાહમાં તેની કિંમતમાં 12 ટકાથી વધુનો જંગી વધારો નોંધાયો છે.

પશ્ચિમ એશિયાની સ્થિતિ અત્યંત ગંભીર તબક્કામાં પ્રવેશી ચૂકી છે અને તે મુખ્યત્વે અમેરિકા તથા ઈરાન વચ્ચેના સીધા સંઘર્ષનું સ્વરૂપ લઈ રહી છે. જેના કારણે વૈશ્વિક ઊર્જા આપૂર્તિ (એનર્જી સપ્લાય) ના મુખ્ય માર્ગો પર ગંભીર જોખમ ઊભું થયું છે. આ ક્ષેત્રમાં સૈન્ય ગતિવિધિઓ વધવાથી ક્રૂડ ઓઈલની કિંમતો પર ભારે દબાણ સર્જાયું છે અને બજારમાં એનર્જી સપ્લાયની સ્થિરતાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. અગાઉ મે મહિનામાં પણ કિંમતો આ સ્તરે પહોંચી હતી, પરંતુ શાંતિની આશાઓ અને ભૂ-રાજકીય તણાવ ઘટવાથી તે ઘટીને 80 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગઈ હતી. હવે ફરીથી તણાવ વધતાં કિંમતો આસમાને પહોંચી છે.

  • મોઘું ક્રૂડ ઓઈલ ભારત માટે શા માટે ચિંતાજનક છે?

ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થવાની સીધી અસર દેશના આયાત બિલ પર પડે છે. આનાથી દેશમાં મોંઘવારી વધવાનું જોખમ પેદા થાય છે તેમજ સામાન્ય નાગરિકો અને ઉદ્યોગો માટે પરિવહન તથા ઉત્પાદન ખર્ચ વધી જાય છે. આયાત બિલ વધવાથી દેશના ચાલુ ખાતાની ખાધ પર પણ ગંભીર દબાણ સર્જાઈ શકે છે.

  • આર્થિક વૃદ્ધિ પર શું અસર પડશે?

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના પૂર્વ વરિષ્ઠ અર્થશાસ્ત્રી સુનીલ સિન્હાના જણાવ્યા અનુસાર, જો ક્રૂડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો આગામી ત્રિમાસિક ગાળામાં ભારતની આર્થિક વૃદ્ધિ દર પર નકારાત્મક દબાણ આવી શકે છે. હાલમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકા જેટલો છે.

જીડીપી પર અસર: સુનીલ સિન્હાના અંદાજ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં દરેક 10 ડોલરની વૃદ્ધિથી ભારતની જીડીપી વૃદ્ધિમાં આશરે 20 થી 30 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે.
વધારાનો બોજ: ઈંધણ અને લોજિસ્ટિક્સ મોંઘા થવાથી વેપારીઓ અને ગ્રાહકો બંને પર વધારાનો આર્થિક બોજ પડશે.

  • અર્થવ્યવસ્થા માટે આગામી સમયનો સૌથી મોટો પડકાર

હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે ક્રૂડ ઓઈલની કિંમતો કેટલા સમય સુધી 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહે છે અને પશ્ચિમ એશિયાનો આ સંઘર્ષ ક્યાં સુધી ચાલે છે. બ્રેન્ટ ઓઈલ પહેલેથી જ એક સપ્તાહમાં 12 ટકાથી વધુ ચઢી ચૂક્યું છે, ત્યારે કિંમતોની આ અસ્થિરતા ભારતની આર્થિક પ્રગતિ, ફુગાવા અને બાહ્ય ક્ષેત્રની સ્થિતિ માટે નિર્ણાયક સાબિત થશે. સંઘર્ષ જેટલો લાંબો ખેંચાશે, ઊર્જા સુરક્ષાને લઈને અનિશ્ચિતતા તેટલી જ વધુ ગાઢ બનશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular