1. Home
  2. ગુજરાતી
  3. ઈરાનઃ ખામીનેઇના અંતિમ સંસ્કારમાં PM મોદી નહીં જાય, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આપશે હાજરી
ઈરાનઃ ખામીનેઇના અંતિમ સંસ્કારમાં PM મોદી નહીં જાય, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આપશે હાજરી

ઈરાનઃ ખામીનેઇના અંતિમ સંસ્કારમાં PM મોદી નહીં જાય, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આપશે હાજરી

0
Social Share

નવી દિલ્હી, 29 જૂન 2026: અમેરિકા સાથેના સૈન્ય સંઘર્ષ વચ્ચે જાન ગુમાવનારા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામીનેઇના રાજકીય સન્માન સાથેના અંતિમ સંસ્કાર આગામી જુલાઈ મહિનામાં યોજાવા જઈ રહ્યા છે. ઈરાનના આ રાષ્ટ્રીય શોકના સમયે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર રીતે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા. જોકે, અહેવાલો અનુસાર વડાપ્રધાન મોદી તેમના અગાઉથી નક્કી થયેલા અત્યંત વ્યસ્ત વિદેશ પ્રવાસોને કારણે ઈરાન જઈ શકશે નહીં. તેના બદલે ભારત સરકાર તરફથી એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ તેહરાન મોકલવાનો નિર્ણય લેવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતના વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટા અને બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન આ અંતિમ સંસ્કાર વિધિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત સરકારના આ પગલાને નવી દિલ્હી અને તેહરાન વચ્ચેના સદીઓ જૂના રાજદ્વારી અને ઐતિહાસિક સંબંધોના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, વિદેશ મંત્રાલય તરફથી આ અંગે સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે.

ઈરાની સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, સર્વોચ્ચ નેતા ખામીનેઇના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ આગામી 4 જુલાઈથી શરૂ થઈને 9 જુલાઈ સુધી ઈરાનના અલગ-અલગ શહેરોમાં યોજાશે. 4 અને 5 જુલાઈના રોજ ખામીનેઇના પાર્થિવ દેહને તેહરાન સ્થિત ‘ગ્રાન્ડ મોસલ્લા’ સંકુલમાં સામાન્ય જનતાના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 6 જુલાઈના રોજ તેહરાનમાં ભવ્ય રાજકીય અંતિમ યાત્રા કાઢવામાં આવશે. આ દરમિયાન તેહરાન પ્રાંતમાં જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત 9 જુલાઈના રોજ ખામીનેઇના ગૃહ નગર મશહદ ખાતે ધાર્મિક વિધિઓ સાથે તેમને સુપુર્દ-એ-ખાક (દફન) કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણે લાખો લોકો તેહરાન અને મશહદ ઉમટી પડે તેવી શક્યતા છે.

  • તાજેતરના મહિનાઓમાં સંબંધો વધુ ગાઢ બન્યા

ભારત અને ઈરાન વચ્ચે દાયકાઓ જૂના સાંસ્કૃતિક, સભ્યતાગત અને વ્યાપારી સંબંધો રહ્યા છે. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા માટે ભારતે ઈરાનમાં વિકસાવેલું ‘ચાબહાર બંદર’, ઉર્જા સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ખૂબ મજબૂત બની છે. પશ્ચિમ એશિયાના વર્તમાન તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતાના અવસાન પર ભારતનું આટલું ઉચ્ચ સ્તરીય ડેલિગેશન ત્યાં જવું એ સ્પષ્ટ કરે છે કે ભારત ઈરાન સાથેના પોતાના રણનીતિક સંબંધોને કેટલી પ્રાથમિકતા આપે છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત અને ઈરાન વચ્ચે સતત રાજદ્વારી સંપર્ક જળવાઈ રહ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ તાજેતરમાં જ ભારતની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. ખામીનેઇના અવસાન બાદ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસની મુલાકાત લઈને શોક પુસ્તિકામાં હસ્તાક્ષર પણ કર્યા હતા. ગલ્ફ રીજનના આ મુશ્કેલ સમયમાં પણ બંને દેશોનું ટોચનું નેતૃત્વ સતત એકબીજાના સંપર્કમાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code