ગાંધીનગર, 30 જુન, 2026 : Protest against the work of divider on the highway જમીયતપુરા રેલવે બ્રિજથી અડાલજ તરફ જતાં હાઇવે રોડ પર તંત્ર દ્વારા બનાવવામાં આવી રહેલા ડિવાઇડરની કામગીરી સામે આજુબાજુના ગ્રામજનોમાં વિરોધ ઊભો થયો છે. જમીયતપુરા અને તેની આસપાસના ગામના રહીશો આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા.અને ડિવાઇડરની કામગીરી સામે વિરોધ કરીને કલેક્ટરને સંબોધીને આવેદન પત્ર આપ્યું હતું.
જિલ્લાના જમીયતપુરા રેલવે બ્રિજથી અડાલજ તરફ જતાં હાઇવે રોડ પર તંત્ર દ્વારા બનાવવામાં આવી રહેલા ડિવાઇડરની કામગીરી સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કલેકટર કચેરીએ રજૂઆત માટે પહોંચેલા ગ્રામજનોએ કહ્યું હતું, કે, ગત તારીખ 25 મે, 2026ના રોજ રાત્રિના સમયે રેલવે બ્રિજથી અડાલજ તરફ જમીયતપુરા ગામથી પ્રભા હનુમાનજી મંદિર વચ્ચે રોડ ક્રોસિંગ પર ડિવાઇડર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ડિવાઇડર બનવાને કારણે જમીયતપુરા, દંતાલી, શાંતિગ્રામ, પ્રમુખ સ્વામી નગર, નવનીત પ્રેસ અને રેલવે કન્ટેનર ડેપો તરફથી અમદાવાદ અને ગાંધીનગર તરફ અવરજવર કરતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય તેમ છે. આ રસ્તો બંધ થવાના કારણે સ્થાનિક લોકોને અમદાવાદ, ગાંધીનગર કે અડાલજ જવા માટે મોટો ચકરાવો કાપવો પડશે. ખાસ કરીને વડીલો, દર્દીઓ અને શાળા-કોલેજે જતાં બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેમજ અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે.
ગ્રામજનોએ એવી રજુઆત કરી હતી કે, તારીખ 20 જાન્યુઆરીના રોજ સ્થાનિક તંત્રના જવાબદાર કર્મચારીઓને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે તે સમયે કામગીરી અટકાવી દેવાઈ હતી. પરંતુ ફરી એકવાર કોઈ પણ પૂર્વ સૂચના વિના આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગ્રામજનોએ આવેદન પત્ર દ્વારા કલેક્ટરને અપીલ કરી છે કે જનહિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઇવે પર ક્રોસિંગ ખુલ્લું રાખવામાં આવે અને ડિવાઇડર ન બનાવવામાં આવે. જો તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવે અને કામગીરી ચાલુ રખાશે તો આગામી દિવસોમાં સમગ્ર ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


