નવી દિલ્હી, 04 જુલાઈ 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાધાકૃષ્ણનને સ્વામી વિવેકાનંદને એક મહાન દેશભક્ત અને દાર્શનિક તરીકે વર્ણવ્યા. તેમણે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રના શાશ્વત જ્ઞાનને વિશ્વ સમક્ષ પહોંચાડ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે સ્વામી વિવેકાનંદના આદર્શો સૌને સમર્પણભાવથી સેવા કરવા, ચારિત્ર્યના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખવા અને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં અડગ રહેવા માટે પ્રેરણા આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ચેતનાને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવવામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન અજોડ છે. મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે સ્વામી વિવેકાનંદની બૌદ્ધિક ક્ષમતા અને પ્રેરણાદાયી વિચારો લાખો યુવાનોનું માર્ગદર્શન કરતા રહેશે, અને તેમના આધ્યાત્મિક ઉપદેશો ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં દેશને નવી રાહ ચીંધશે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “સ્વામી વિવેકાનંદે, જેમણે વિશ્વને વેદાંત, તત્વજ્ઞાન અને ભારતીય જ્ઞાન-પરંપરાથી પુનઃ પરિચિત કરાવ્યું, તેમણે યુવાનોમાં ચારિત્ર્ય નિર્માણ અને દેશભક્તિની ભાવના જગાડી. તેમણે સમગ્ર દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો શંખનાદ ફૂંક્યો અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને આધ્યાત્મિકતા તથા સેવાકાર્યને સંગઠિત સ્વરૂપ આપ્યું. તેમના વિચારો અને આદર્શો યુવાનોને રાષ્ટ્રનિર્માણની દિશામાં સતત પ્રેરણા આપતા રહેશે.”
વધુ વાંચો: BLA એ બલૂચિસ્તાનમાં મોટો ફિદાયીન હુમલો કર્યો, પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના ૩૦થી વધુ જવાનોના મોત


