1. Home
  2. ગુજરાતી
  3. ઇઝરાયેલનો લેબનાનમાં બફર ઝોન પ્લાન: નકશો જાહેર કર્યો, ગાઝા જેવી કડક કાર્યવાહીની ચેતવણી
ઇઝરાયેલનો લેબનાનમાં બફર ઝોન પ્લાન: નકશો જાહેર કર્યો, ગાઝા જેવી કડક કાર્યવાહીની ચેતવણી

ઇઝરાયેલનો લેબનાનમાં બફર ઝોન પ્લાન: નકશો જાહેર કર્યો, ગાઝા જેવી કડક કાર્યવાહીની ચેતવણી

0
Social Share

યરૂશલમ, 20 એપ્રિલ 2026: મધ્ય પૂર્વમાં શાંતિના પ્રયાસો વચ્ચે ઇઝરાયેલે દક્ષિણ લેબનાનમાં ‘બફર ઝોન’ બનાવવાની સત્તાવાર જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. ઇઝરાયેલની સેનાએ એક નકશો બહાર પાડ્યો છે, જેમાં લેબનાનની સરહદની અંદર અનેક કિલોમીટર સુધી ફેલાયેલા વિસ્તારને સુરક્ષા કવચ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિથી કામચલાઉ સીઝફાયર લાગુ હોવા છતાં, ઇઝરાયેલે તેની સૈન્ય કાર્યવાહી તેજ કરી દીધી છે.

ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, આ બફર ઝોન લેબનાનના ભૂમધ્ય સમુદ્રી કિનારાથી શરૂ થઈને સીરિયાની સરહદ પાસે આવેલા માઉન્ટ હરમોન સુધી એક લાંબી પટ્ટીની જેમ ફેલાયેલો છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કોત્ઝે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી ઉત્તર ઇઝરાયેલના સમુદાયો માટેનો ખતરો પૂરો ન થાય ત્યાં સુધી તેઓ આ વિસ્તારમાંથી સૈનિકો પાછા બોલાવશે નહીં.

  • હિઝબુલ્લાહનો સભ્ય માનવામાં આવતા કોઈ પણ વ્યક્તિને સેના ઠાર મારશેઃ ઈઝરાયલ

રક્ષામંત્રી કોત્ઝે ચેતવણી આપી છે કે ઇઝરાયેલ આ બફર ઝોનમાં આવતા તમામ ઘરો અને ઇમારતોને જમીનદોસ્ત કરી દેશે. તેમણે આ કાર્યવાહીની સરખામણી ગાઝા પટ્ટીમાં કરવામાં આવેલા ઓપરેશન્સ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, “હિઝબુલ્લાહનો સભ્ય માનવામાં આવતા કોઈ પણ વ્યક્તિને સેના ઠાર મારશે.” હાલમાં ઇઝરાયેલની પાંચ ડિવિઝન અને નૌસેના દળો લેબનાની ક્ષેત્રમાં ‘ફોરવર્ડ ડિફેન્સ લાઇન’ તૈયાર કરી રહ્યા છે.

લેબનાનની નેશનલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રવિવારે ઇઝરાયેલની સેનાએ દક્ષિણ લેબનાનમાં ભારે આક્રમકતા બતાવી હતી. સુરક્ષાના નામે સેનાએ ઘરોને તોડી પાડવાનું ચાલુ રાખ્યું અને રસ્તાઓ પર ટેન્કો દ્વારા પેટ્રોલિંગ વધાર્યું છે. અહીં અનેક મકાનોને વિસ્ફોટોથી ઉડાવી દેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં પણ ભારે તોપમારો કરવામાં આવ્યો હતો.

નવા નકશા મુજબ, ઇઝરાયેલનો બફર ઝોન બિંત જેબિલ, ઐતા અલ-શાબ અને ખિયામ જેવા વ્યૂહાત્મક શહેરોની ઉત્તરમાં અને કેટલાક વિસ્તારોમાં લીતાની નદી સુધી ફેલાયેલો છે. લેબનાન અને સીરિયાએ ઇઝરાયેલના આ એકપક્ષીય પગલાનો સખત વિરોધ કર્યો છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. વોશિંગ્ટન દ્વારા જાહેર કરવામાં આવેલા 10 દિવસના સીઝફાયરના માત્ર ત્રણ દિવસ બાદ જ ઇઝરાયેલ દ્વારા નકશો બહાર પાડવો એ સંકેત આપે છે કે આગામી દિવસોમાં સંઘર્ષ વધુ ઉગ્ર બની શકે છે.

આ પણ વાંચોઃ ઈરાનનો લલકાર: હોર્મુઝની સુરક્ષા મફત સેવા નથી, ક્રૂડ ઓઈલના ભાવમાં 8 ટકાનો વધારો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code