કૅશકાંડમાં સંડોવાયેલા ન્યાયમૂર્તિ યશવંત વર્માએ રાજીનામું આપી દીધું, હવે મહાભિયોગથી બચી જશે
પ્રયાગરાજ, 10 એપ્રિલ, 2026 – કૅશકાંડમાં ફસાયેલા જસ્ટિસ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના જજ તરીકે કાર્યરત હતા. તેમને પદ પરથી હટાવવા માટે સંસદમાં મહાભિયોગ (Impeachment)ની પ્રક્રિયા ચાલી રહી હતી. લોકસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના રાજીનામાની સાથે જ હવે આ પ્રક્રિયા સમાપ્ત થઈ જશે.
દિલ્હીના નિવાસસ્થાનેથી મળી હતી જંગી રોકડ
ન્યાયમૂર્તિ વર્મા દિલ્હી હાઈકોર્ટના જજ હતા ત્યારે તેમના ઘરે આગ ફાટી નીકળી હતી. તે સમયે આગ ઓલવવા ગયેલા કોઈ કર્મચારીએ એક વીડિયો ઉતારી લીધો હતો જેમાં ઘરમાં ખૂબ મોટી માત્રામાં રોકડ રકમ જોવા મળી આવી હતી. આ રોકડનો કેટલોક હિસ્સો સળગેલી હાલતમાં હતો. આ ઘટના બાદ મામલાએ ઘણું જોર પકડ્યું હતું અને સંસદમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ જાંબાઝ કર્નલ શ્રીકાંત પુરોહિતને મળ્યું બ્રિગેડિયર તરીકે પ્રમોશન
એક વર્ષ પહેલાં શરૂ થયો હતો વિવાદ
2025માં 15 માર્ચના રોજ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં સળગેલી નોટો મળી આવી હતી. આ ઘટના બાદ તેમની બદલી અલ્હાબાદ હાઈકોર્ટમાં કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની પેનલે તેમને પદ પરથી હટાવવાની ભલામણ કરી હતી. જોકે, જસ્ટિસ વર્માએ કોઈપણ પ્રકારના ગેરવર્તણૂક કે ગુનાઈત પ્રવૃત્તિમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો છે.
સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ
ગત વર્ષે ઓગસ્ટમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના કુલ 152 સાંસદોએ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. લોકસભા અધ્યક્ષે આ પ્રસ્તાવ સ્વીકારીને ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. જસ્ટિસ વર્માએ આ સમિતિની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, પરંતુ 16 જાન્યુઆરીના રોજ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેઓ સમિતિ સમક્ષ હાજર થયા હતા અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
આ પણ વાંચોઃ ધર્માંતર ટોળકીની જાળમાંથી બચી ગયેલા દલિત યુવકની મદદે આવ્યું સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન
વિવાદની શરૂઆત 15 માર્ચ 2025ની રાત્રે તેમના દિલ્હી સ્થિત સત્તાવાર નિવાસસ્થાને લાગેલી આગની ઘટનાથી થઈ હતી. આગ ઓલવવાની કામગીરી દરમિયાન સ્ટોર રૂમમાંથી સળગેલી રોકડ મળી આવી હતી, જેના વીડિયો પણ સામે આવ્યા હતા. તે સમયે જસ્ટિસ વર્મા ભોપાલમાં હતા. તેમણે તમામ આરોપો નકારતા કહ્યું હતું કે જપ્ત કરાયેલી રકમ સાથે તેમને કે તેમના પરિવારને કોઈ લેવાદેવા નથી. આ ઘટનાએ ન્યાયતંત્રની છબી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા.


