લોટરી કિંગની તિજોરી અને ચર્ચના આશીર્વાદ: સી. જોસેફ વિજયના રાજકીય નાટક પાછળનો અસલી ખેલ
હેમંત પરમાર દ્વારા
દક્ષિણ ભારતના રાજકારણમાં છેલ્લા થોડા દિવસોથી એક મોટો અને સુનિયોજિત ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે. રૂપેરી પડદા પર ગરીબોનો બેલી અને ખલનાયકોના કાળ તરીકે જાણીતા સુપરસ્ટાર અભિનેતા સી. જોસેફ વિજય હવે રિયલ લાઈફમાં રાજકીય મંચ પર એક તારણહાર બનીને ઉતરી ચૂક્યો છે. શહેરભરમાં લાગેલા મોટા મોટા પોસ્ટરો અને બેનરોમાં તેમને ગરીબોના સાચા તારણહાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. પણ, વ્યવહારુ દુનિયામાં અને ખાસ કરીને ભારતીય રાજકારણમાં કોઈ રાતોરાત નાયક નથી બની જતું, તેને એક ચોક્કસ વ્યૂહરચના હેઠળ ઊભો કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા જ પૂરા થયેલા વિજયના આ હાઈ-વોલ્ટેજ રાજકીય ડ્રામા પાછળ પૈસા અને પાવરની એક એવી ભયાનક કહાની છુપાયેલી છે, જે કદાચ આખા દક્ષિણ ભારતના રાજકારણના મૂળિયાં હચમચાવી નાખશે.
માત્ર ૨૬ મહિનામાં પાર્ટીનો ચમત્કાર કે પછી ૧૫૦૦ કરોડ રૂપિયાનો જાદુ?
આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જેવી કેડર બેઝ્ડ પાર્ટીને જમીની સ્તર પર પોતાનું બૂથ લેવલનું માળખું ઊભું કરતા દાયકાઓનો સમય લાગી જાય છે. પરંતુ વિજયની પાર્ટી ટીવીકે એટલે કે તમિલગા વેટ્રી કઝગમ માત્ર ૨૬ મહિનામાં જ એક અકલ્પનીય ચમત્કાર કરી બતાવ્યો છે. ૧૦૮ વિધાનસભા બેઠકો પર સીધું ફોકસ, ૭૦ હજારથી વધુ બૂથ એજન્ટ્સની ફોજ, અત્યાધુનિક હાઈ-ટેક ડિજિટલ વૉર રૂમ અને ચૂંટણી રેલીઓમાં ઉમટતી લાખોની માનવમેદની. આ બધું જોઈને કોઈપણ સામાન્ય માણસને સવાલ થાય કે અચાનક આ પૈસાનો વરસાદ ક્યાંથી થવા લાગ્યો? એક ચોંકાવનારા અંદાજ મુજબ તેમની પાર્ટીના આ ચૂંટણી પ્રચારમાં આશરે ૧૫૦૦ કરોડ રૂપિયા પાણીની જેમ ફૂંકી મારવામાં આવ્યા છે. દાન કોણે આપ્યું તેની કોઈ વિગતો નથી કે નથી કોઈ પારદર્શિતા. ત્યારે સવાલ એ થાય છે કે ગરીબોના તારણહાર, આટલા બધા અબજો રૂપિયા કયા “ગરીબે” તમને દાનમાં આપી દીધા?
આ પણ વાંચોઃ કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે સમજાયું કે આ તો ગરબડ છે, સુધારો કરવો પડશેઃ ગોપાલભાઈ ગોસ્વામી
પડદા પાછળનો અસલી માસ્ટરમાઈન્ડ: લોટરી કિંગનો પરિવાર
ટીવીકે પાર્ટીની દરેક રાજકીય ગતિવિધિમાં વિજયની બરાબર બાજુમાં વારંવાર જોવા મળતો પેલો ચહેરો કોનો હતો તે જાણવું ખૂબ જરૂરી છે. એ વ્યક્તિ છે આધવ અર્જુન, જે વિજયની પાર્ટીના મહાસચિવ છે અને સાથે જ ભારતના પ્રખ્યાત લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનના સગા જમાઈ પણ છે. આ એ જ માર્ટિન છે જેમણે ભૂતકાળમાં ૧૩૬૮ કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને આખા દેશમાં સનસનાટી મચાવી હતી. તેમના પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના દરોડા પડ્યા, મની લોન્ડરિંગના ગંભીર કેસ થયા અને સંપત્તિ જપ્તી જેવી કાર્યવાહી પણ થઈ. આમ છતાં માર્ટિન પરિવારનો સત્તા પરનો પ્રભાવ એટલો મજબૂત છે કે રાજ્યમાં સરકાર ગમે તેની આવે, આ પરિવાર હંમેશા ફાયદામાં જ રહે છે અને તેમનો વાળ પણ વાંકો થતો નથી.
વેટિકનના પવિત્ર આશીર્વાદ અને લોયોલા કોલેજનું ઈન્ટરનેશનલ નેટવર્ક
જો તમને લાગતું હોય કે આ માત્ર લોટરીના કાળા નાણાંની રમત છે, તો તમે ભૂલ ખાઓ છો. શું તમે જાણો છો કે પોપ બેનેડિક્ટ સોળમાએ માર્ટિન પરિવારને કેથોલિક સમુદાયનું સર્વોચ્ચ સન્માન “અપોસ્ટોલિક આશીર્વાદ” એનાયત કરેલું છે? એટલું જ નહીં, માર્ટિન અગાઉ લાઈબેરિયાના મહાવાણિજ્યદૂત તરીકે પણ રહી ચૂક્યા છે. બીજી તરફ, અભિનેતા વિજયનો પોતાનો પરિવાર કટ્ટર કેથોલિક છે. તેમના કાકાઓ લોયોલા કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સર્વોચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. આશ્ચર્યની વાત એ છે કે વિજયની પાર્ટી લોન્ચ થતાની સાથે જ લોયોલા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક વિશાળ આંતરરાષ્ટ્રીય નેટવર્ક પાર્ટીના ફંડિંગ અને આયોજન માટે રાતોરાત સક્રિય થઈ ગયું. શું આ બધું માત્ર એક સાદો જોગાનુજોગ હોઈ શકે?
આ પણ વાંચોઃ લગ્નની કંકોત્રી આપવા નીકળેલા બે યુવક બાઈક સાથે મેશ્વો ડેમમાં ગરકાવ
ચર્ચના છૂપા ચોપાનિયાં અને અનામતના નામે રમાતું ધાર્મિક ષડયંત્ર
મતદાનના સપ્તાહ દરમિયાન એવા ગંભીર અહેવાલો સામે આવ્યા હતા કે વિવિધ ચર્ચોમાં બિશપો દ્વારા છૂપી રીતે ચોપાનિયાં વહેંચવામાં આવ્યા હતા. આ ચોપાનિયાંનો સંદેશ બિલકુલ સ્પષ્ટ હતો કે ભાજપને હરાવવા માટે વ્યૂહાત્મક રીતે એકજૂથ થઈને મતદાન કરો. આ બધા વચ્ચે વિજયની પાર્ટી ટીવીકેનું સૌથી મોટું ચૂંટણી વચન શું છે તે જુઓ. તેમણે દલિત ખ્રિસ્તીઓ માટે અનુસૂચિત જાતિ અનામત આપવાની વાત કરી છે. આ કોઈ સામાજિક ન્યાય અપાવવાની કવાયત નથી, પરંતુ આ ધર્માંતરણના સમીકરણોને કાયમ માટે બદલી નાખવાનું એક અત્યંત ઘાતક હથિયાર છે. સરકારી નોકરીઓ અને અનામતના લાભોને સીધી રીતે ધાર્મિક ઓળખ સાથે જોડીને રાજ્યની આખી ડેમોગ્રાફી બદલી નાખવાનો આ બહુ મોટો ખેલ છે.
તારણહારનો મુખવટો ઉતારીને અસલી ચહેરા ઓળખવાનો સમય
સરવાળે એટલું સમજી લો કે આ કોઈ એક સામાન્ય ફિલ્મી હીરોની સંઘર્ષ કરીને નેતા બનવાની કહાની નથી. આ એક અદ્રશ્ય કાળું નાણું, એક આંતરરાષ્ટ્રીય લોટરી સામ્રાજ્ય અને પેઢીઓથી ચાલતા ધાર્મિક પ્રભાવનું અત્યંત સંગઠિત અને ખતરનાક મોડલ છે. તમિલનાડુમાં આકાર લઈ રહેલી આ નવી અને ભયાનક સત્તા-રચના સામે કોઈ આંખ ઉઠાવવાની હિંમત કરશે ખરું? કે પછી લોકશાહીના રૂડા રૂપાળા નામે આ કાળો ખેલ આમ જ ચાલવા દેવાશે? સમય પાકી ગયો છે કે તારણહાર હોવાનો મુખવટો ઉતારીને તેની પાછળ છુપાયેલા અસલી અને ખતરનાક ચહેરાઓને જનતા સમક્ષ ખુલ્લા પાડવામાં આવે.


