નવી દિલ્હી, 23 જુલાઈ 2026: ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી લાયસન્સિંગ વ્યવસ્થાની સીધી અસર કિંમતી ધાતુ ચાંદીના બજાર પર જોવા મળી રહી છે. આ કડક નિયમોના કારણે દેશમાં ચાંદીની આયાતમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે સ્થાનિક બજારમાં પ્રીમિયમ ઘણા મહિનાઓના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, મોટાભાગની બેન્કો અને નાણાકીય સંસ્થાઓને હજુ સુધી ચાંદીની આયાત કરવા માટેના જરૂરી પરમિટ કે લાઇસન્સ મળ્યા નથી અને તેઓ સરકારની મંજૂરી મેળવવાની રાહ જોઈ રહ્યા છે.
કન્સલ્ટન્સી ફર્મ ‘મેટલ્સ ફોકસ’ના રિપોર્ટ અનુસાર, વિદેશી હૂંડિયામણની બચત કરવાના હેતુથી સરકારે મે મહિનામાં ચાંદીની આયાત માટે લાયસન્સિંગની અનિવાર્યતા લાગુ કરી હતી. જેના કારણે જૂન મહિનામાં ચાંદીનું શિપમેન્ટ ગગડીને માત્ર 29 ટન જેટલું જ રહી ગયું હતું, જ્યારે જાન્યુઆરી મહિનામાં આ આંકડો 474 ટન આસપાસ હતો. જૂન મહિનાનો આ કુલ આયાત આંકડો દેશની વાર્ષિક ચાંદીની માંગના 1 ટકા કરતા પણ ઓછો હોવાનું અનુમાન છે.
મેટલ્સ ફોકસના પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ હર્ષલ બારોટે જણાવ્યું હતું કે સપ્લાયમાં આવેલા આ અચાનક ઘટાડાના કારણે 30-દિવસનો સરેરાશ પ્રીમિયમ રેટ (એટલે કે બેન્ચમાર્ક કિંમતો કરતાં ખરીદદારો દ્વારા ચૂકવાતી વધારાની રકમ) વર્ષ 2019 પછીના સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. મુંબઈ સ્થિત ગોલ્ડ ટ્રેડિંગ ફર્મ ‘ઓગ્મોન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ’ના રિસર્ચ હેડ રેનીશા ચૈનાનીના, આયાત ઠપ થવાને કારણે ફિઝિકલ ચાંદીની ભારે અછત સર્જાઈ છે, સામે પક્ષે બજારમાં માંગ યથાવત છે.
કારોબારીઓમાં મૂંઝવણ અને સરકારી ધોરણો
આ સમગ્ર મામલાની જાણકારી ધરાવતા એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, આયાત લાયસન્સને મંજૂરી આપતી કમિટી મહિનામાં માત્ર એક કે બે જ વખત બેઠક કરે છે, જેના કારણે પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. આ નવી વ્યવસ્થા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય થાઈલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા મુક્ત-વેપાર કરાર ધરાવતા દેશોમાંથી થતી ચાંદીની આયાતમાં અસામાન્ય ઉછાળો અટકાવવાનો છે.
જો કે, નવી લાઇસન્સિંગ પ્રણાલીને કારણે વેપારીઓ અને આયાતકારોમાં ભારે મૂંઝવણ પ્રવર્તી રહી છે. ક્વોટા કેવી રીતે ફાળવવામાં આવે છે અને તે પૂર્ણ થયા બાદ શું પ્રક્રિયા રહે છે તે અંગે સ્પષ્ટતાનો અભાવ છે. આ ઉપરાંત, સરકારે હવે ‘સર્ટિફિકેટ ઓફ ઓરિજિન’ (ઉત્પત્તિનું પ્રમાણપત્ર) રજૂ કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હવે ચાંદીની આયાત ‘પ્રતિબંધિત આયાત’ કેટેગરીમાં આવે છે અને તમામ અરજીઓ પર નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આગામી તહેવારો અને લગ્નસરાની મોસમ પર સંકટના વાદળો
આ કડક પગલાં એવા સમયે લેવામાં આવ્યા છે જ્યારે અગાઉ સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં મોટો વધારો કર્યો હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષોને કારણે વધી રહેલી ઉર્જા કિંમતો અને રૂપિયા પરના દબાણને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવાયા હતા.
પરંતુ, આગામી સમયમાં ભારતની ખરીદીના સૌથી વ્યસ્ત સમયગાળા પહેલા આ અછત મોટી સમસ્યા બની શકે છે. સામાન્ય રીતે જ્વેલર્સ ઓક્ટોબર-નવેમ્બરના તહેવારો અને નવેમ્બરથી માર્ચ સુધી ચાલતી લગ્નસરાની સિઝન માટે જુલાઈથી જ પોતાનો સ્ટોક ફરી ભરવાનું શરૂ કરી દે છે. નિષ્ણાતોના મતે, જો સમયસર આયાત શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં ગ્રાહકો માટે મુશ્કેલીઓ વધુ વધી શકે છે.


