1. Home
  2. Agency
  3. News
  4. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સંદર્ભે સરકારે રાજ્યસભામાં દાખલ કર્યો અગત્યનો ખરડો, જાણો વિગતો
રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સંદર્ભે સરકારે રાજ્યસભામાં દાખલ કર્યો અગત્યનો ખરડો, જાણો વિગતો

રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સંદર્ભે સરકારે રાજ્યસભામાં દાખલ કર્યો અગત્યનો ખરડો, જાણો વિગતો

0
Social Share

નવી દિલ્હી, 24 જુલાઈ, 2026 – રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગાન ફરજિયાત કરવા અને તે ગાવામાં અવરોધ ઊભો કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈ કરતો ખરડો રાજ્યસભામાં દાખલ કરવામાં આવ્યો છે.

સંસદના ચોમાસુ સત્રના પ્રારંભથી ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. નીટ પરીક્ષા પેપર લીકના મામલે કોક્રોચ જનતા પાર્ટીના દેખાવો અને તે વિશે વિપક્ષો દ્વારા સંસદમાં ભારે હોબાળો કરવામાં આવતા સંસદના બંને ગૃહમાં છેલ્લા પાંચ દિવસથી ખાસ કોઈ કાર્યવાહી થઈ શકી નથી. એ દરમિયાન આજે શુક્રવારે રાજ્યસભામાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા રાષ્ટ્રીય સન્માનનું અપમાન અટકાયત (સુધારા) ખરડો, 2026 દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસના નેતાએ જંતરમંતર ઘટના અંગે AI ફોટો શૅર કરીને છેડ્યો ગંભીર વિવાદ

અલબત્ત, વિપક્ષોના ભારે હોબાળાને કારણે આ ખરડા ઉપર ગૃહમાં ચર્ચા શરૂ થઈ શકી નહોતી. ખરડો દાખલ થયા બાદ રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ ખરડા દ્વારા રાષ્ટ્રીય ધ્વજ તેમજ રાષ્ટ્રગાન જન ગણ મનની જેમ જ રાષ્ટ્રીય ગીત વંદે માતરમને પણ કાનૂની સંરક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ખરડો પસાર થયા પછી અને કાયદો બન્યા પછી વંદે માતરમના ગાનમાં અવરોધ ઊભો કરવાના કોઈપણ પ્રયાસ સામે આકરાં પગલાં લેવામાં આવશે. વંદે માતરમ ગાનનું અપમાન કરવા બદલ દોષિત વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદની સજા, આર્થિક દંડ અથવા જેલ અને દંડ બંને સજા થઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code