નેશનલ હાઈવે પર વિવિધ ટોલપ્લાઝાની 85 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, સૌથી વધારે દિલ્હીમાં નોંધાઈ
નવી દિલ્હી, 24 જુલાઈ 2026: દેશભરના નેશનલ હાઈવે પર પોતાની અંગત કે વ્યવસાયિક ગાડીઓ દ્વારા મુસાફરી કરતા લાખો નાગરિકો માટે ટોલ પ્લાઝા પર લાંબી કતારો, કર્મચારીઓનું અસભ્ય વર્તન, મારામારી અને કલાકો સુધી રાહ જોવી પડે તેવા વિવાદો રોજિંદી સમસ્યા બની ગયા છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકારે પહેલીવાર સંસદમાં આ મામલે સત્તાવાર અને વિગતવાર આંકડાઓ સાર્વજનિક કર્યા છે. લોકસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષોમાં દેશભરના ટોલ પ્લાઝા પર સ્ટાફનું ખરાબ વર્તન, શારીરિક હુમલા અને જરૂરિયાત કરતા અનેક ગણો વધુ સમય વેટીંગમાં વિતાવવા જેવી ફરિયાદોના 85 હજારથી વધુ મામલા સત્તાવાર રીતે નોંધાયા છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ફરિયાદો 1033 હેલ્પલાઈન, પીજી પોર્ટલ, રાજમાર્ગ યાત્રા એપ, ઈમેલ અને લેખિત માધ્યમો દ્વારા પ્રાપ્ત થઈ હતી. જો રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો, નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા સંબંધીત સૌથી વધુ ફરિયાદો દિલ્હીમાંથી નોંધાઈ છે જ્યાં કુલ 19461 ફરિયાદો મળી હતી. ત્યારબાદ ગુજરાતમાંથી 11026, રાજસ્થાનમાંથી 8837, ઉત્તર પ્રદેશમાંથી 8697, કર્ણાટકમાંથી 4884, પંજાબમાંથી 4532 અને બિહારમાંથી 4424 ફરિયાદો આવી છે. આ ઉપરાંત કેરળ, મધ્યપ્રદેશ, આસામ અને આંધ્રપ્રદેશમાંથી પણ હજારોની સંખ્યામાં ફરિયાદો સામે આવી હતી.
સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે પ્રાપ્ત થયેલી મોટાભાગની ફરિયાદોનું સમયસર નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કેરળ, રાજસ્થાન અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં નોંધાયેલી તમામ ફરિયાદોનો 100 ટકા ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. જો કે હજુ પણ કેટલાક સ્થળોએ મર્યાદિત સંખ્યામાં કેસો પેન્ડિંગ છે, જેમાં સૌથી વધુ દિલ્હીમાં 38, પંજાબમાં 28, બિહારમાં 22, ગુજરાતમાં 20, ઓડિશામાં 10 અને અન્ય રાજ્યોમાં થોડી ફરિયાદો બાકી છે. કુલ 91 હજારથી વધુ આવેલી ફરિયાદોમાંથી હાલ માત્ર 149 કેસો જ પેન્ડિંગ છે.
-
ગંભીર ગેરરીતિ બદલ 3 ટોલ ઓપરેટરોના કોન્ટ્રાક્ટ કાયમી ધોરણે રદ
સામાન્ય જનતાની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપતા સરકારે નિયમોનું ઉલ્લંઘન કરનારા ટોલ ઓપરેટરો સામે પણ કડક દંડાત્મક કાર્યવાહી કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં નિયમો અથવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો ભંગ કરનાર ટોલ સંચાલકોને 146 કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે, ગંભીર બેદરકારી બદલ 5.53 કરોડ રૂપિયાનો આર્થિક દંડ વસૂલવામાં આવ્યો છે અને ગંભીર ગેરરીતિ બદલ 3 ટોલ ઓપરેટરોના કોન્ટ્રાક્ટ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યા છે.
સંસદમાં ટોલ ટેક્સ વસૂલવાના નિયમો વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ કોઈપણ નવા માર્ગ પર ટોલ ટેક્સ ત્યારે જ વસૂલી શકાય જ્યારે તે માર્ગને વાહનવ્યવહાર માટે સત્તાવાર રીતે સુરક્ષિત અને તૈયાર જાહેર કરવામાં આવે અને સક્ષમ અધિકારી દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ જારી કરવામાં આવે. જો કોઈ હાઈવે પર રસ્તાનું અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું હોય તો વાહનચાલકો પાસેથી પૂરો ટોલ ટેક્સ વસૂલી શકાતો નથી. નિયમો અનુસાર જો રસ્તો બે લેનમાંથી ચાર લેનનો બનાવવામાં આવી રહ્યો હોય તો માત્ર 30 ટકા જ ટોલ લેવાય છે, જ્યારે ચાર લેનમાંથી છ લેન બનતી વખતે 75 ટકા જ ટોલ લાગુ પડે છે. આ ઉપરાંત તમામ ટોલ પ્લાઝા પર યાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે એમ્બ્યુલન્સ, ક્રેન, પેટ્રોલિંગ વાહનો, શૌચાલય, પીવાનું શુદ્ધ પાણી, પૂરતી રોશની, સીસીટીવી કેમેરા, ફાસ્ટેગ વ્યવસ્થા અને માહિતી બોર્ડ જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ હોવી ફરજિયાત છે અને નિયમિત તપાસમાં ક્યાંય ક્ષતિ જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવે છે.


