
અમદાવાદના 28 કડિયાનાકા પર શ્રમિક ભોજન કેન્દ્રોની શરૂઆત, 10 હજારથી વધુ શ્રમિકોને લાભ થશે
ગાંધીનગરઃ અમદાવાદના કુલ 28 કડિયાનાકા પર શ્રમિક ભોજન કેન્દ્રોની શરૂઆત આજથી થઈ છે, તેમ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકારની આ એક ઉપલબ્ધિ જ છે કે ફક્ત રૂ. 5નાં નજીવા દરે શ્રમિકો અને તેમના પરિવારને ભોજનનો લાભ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા યોજનાથી અત્યાર સુધી રાજ્યના કુલ 1.83 લાખ લોકોએ લાભ લીધો છે, અને નવા શરૂ કરાયેલ આ 28 ભોજન કેન્દ્ર પરથી 10 હજારથી વધુ લોકોને આ યોજનાનો લાભ થશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 590થી વધુ શ્રમિકોને આ યોજનાનો લાભ બાંધકામ સાઈટ પર જ ટિફિન ડિલિવરી મારફતે મેળવી શકાશે, સાથે સાથે કોઈપણ શ્રમિક ઈ – નિર્માણ કાર્ડ મારફતે પોતાના પરિવાર માટે એક સમયનું ભોજન પણ મેળવી શકે છે. અમદાવાદના કુલ 28 અને ગાંધીનગરમાં 1 એમ કુલ 29 કડિયાનાકા પર 75 હજાર જેટલા ભોજન પર વિતરણ કરાશે. આ તમામ બાબતો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સફળ નેતૃત્વ હેઠળ જ શક્ય બન્યું છે. તેમ તેઓએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા 22 કડિયાનાકા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન પૂરું પાડવામાં આવે છે. જેમાં કુલ 1.83 લાખ કરતાં વધારે શ્રમિકોએ આ યોજનાનો લાભ લીધો છે.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં શ્રમિકો માટે અને અન્ય વર્ગો માટે વિકાસની દિશામાં વધુ કામ થાય તેવી યોજનાઓ શરૂ કરીશું. અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં ખૂબ જ નજીવા દરે શ્રમિકોને ભોજન અપાય છે, અન્ય રાજ્યોમાં શ્રમિકોને રૂ. 10 માં ભોજન અપાય છે ત્યારે અહીંયા શ્રમિકોને ફક્ત રૂ. 5 માં ભોજન અપાય છે, જે સરકારની ખુબ જ મોટી ઉપલબ્ધિ છે.