પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું, અમારા પૂર્વજ હિન્દુ હતા
- પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની કબૂલાત; કહ્યું- પાકિસ્તાની બાળકોને ખોટો ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે
ઇસ્લામાબાદ, 27 મે 2026: પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના જ દેશના ઇતિહાસ લેખન પર બહુ મોટો સવાલ ઊભો કરી દીધો છે. તેમણે સાર્વજનિક સ્તરે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનમાં બાળકોને સાચો ઇતિહાસ ભણાવવામાં નથી આવી રહ્યો. તેમણે દાવો કર્યો કે અડધાથી વધુ પાકિસ્તાનીઓને એવું માનતા કરી દેવાયા છે કે તેમના પૂર્વજો આરબ દેશો કે ઈરાનથી આવ્યા હતા, જ્યારે વાસ્તવિકતા એ નથી.
ખ્વાજા આસિફે એક નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકાના યુદ્ધોમાં પાકિસ્તાનનો ઉપયોગ કરવા માટે અગાઉ સમાજની વિચારસરણી બદલવામાં આવી હતી અને તે જ હિસાબે ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેનને રેલવે મંત્રાલયની મંજૂરી, જાણો ક્યાં પ્રારંભ થશે?
તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, “આપણાં બાળકો તથ્યાત્મક (સાચો) ઇતિહાસ નથી ભણી રહ્યા. આજે પાકિસ્તાનમાં ઘણા લોકોને એ પણ ખબર નથી કે ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક કોણ હતા.” આસિફે સ્પષ્ટ કર્યું કે ભારતીય ઉપખંડના લોકોના મૂળિયાં અહીંના જ ઇતિહાસ સાથે જોડાયેલા છે.
પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું આ તથ્યાત્મક નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે તેઓ પહેલેથી જ અમેરિકા અને ઈઝરાયેલના મુદ્દાઓ પર પોતાના જ દેશમાં ટીકાઓ અને વિવાદોનો સામનો કરી રહ્યા છે. આ નિવેદન બાદ હવે પાકિસ્તાનમાં એક નવો જ વિવાદ છેડાવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.


