Homeગુજરાતીદેશ-વિદેશભારતમાં પેટ્રોલ અને ડિઝલ થઈ શકે છે મોંઘા: ક્રૂડ ઓઈલની કિંમત 100...

ભારતમાં પેટ્રોલ અને ડિઝલ થઈ શકે છે મોંઘા: ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલરને પાર

નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર 2026: ભારતમાં ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે, કારણ કે વૈશ્વિક બજારમાં ક્રોડ ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડા મુજબ, 8 સપ્ટેમ્બરના રોજ દેશમાં ‘ઈન્ડિયન બાસ્કેટ’ ક્રૂડની કિંમત વધીને 100.75 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે આ કિંમત 101 ડોલરને પણ વટાવી ગઈ હતી. મિડલ ઈસ્ટમાં સર્જાયેલા તણાવ અને ભૌગોલિક-રાજકીય અસ્થિરતાને કારણે ઈન્ડિયન બાસ્કેટમાં આ વધારો નોંધાયો છે. મે મહિના પછી આ પહેલો અવસર છે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી 100 ડોલરની સપાટીને વટાવી ગયા છે.

જૂલાઈ પછી ક્રૂડ ઓઈલમાં 23 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો, જુલાઈ મહિનામાં ઈન્ડિયન બાસ્કેટની સરેરાશ કિંમત 82.04 ડોલર પ્રતિ બેરલ હતી, જે વર્તમાન સમયમાં વધીને 100.75 ડોલર પર પહોંચી ગઈ છે. એટલે કે માત્ર થોડાક જ મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં અંદાજે 23 ટકા (લગભગ 18 ડોલર પ્રતિ બેરલ)નો મોટો વધારો થયો છે. માસવાર સરેરાશ ઈન્ડિયન બાસ્કેટના આંકડા જોઈએ તો એપ્રિલ મહિનામાં 114.48 ડોલર પ્રતિ બેરલ, મે મહિનામાં 106.23 ડોલર પ્રતિ બેરલ, જૂન મહિનામાં 83.22 ડોલર પ્રતિ બેરલ, જુલાઈ મહિનામાં 82.04 ડોલર પ્રતિ બેરલ અને ઓગસ્ટ મહિનામાં 90.19 ડોલર પ્રતિ બેરલ નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બર (વર્તમાન)માં તે 100.75 ડોલર પ્રતિ બેરલથી વધુ જોવા મળ્યા છે.

  • પેટ્રોલ-ડિઝલની કિંમતમાં રૂ. 3થી 5નો વધારો થવાની શક્યતા

પેટ્રોલ અને ડિઝલ કેટલા મોંઘા થઈ શકે છે તે અંગે નિષ્ણાતોના મતે, જો આખો સપ્ટેમ્બર મહિનો ઈન્ડિયન બાસ્કેટના ભાવ 100 ડોલર કે તેથી ઉપર જળવાઈ રહેશે, તો ઓક્ટોબર મહિનાથી દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 3 થી 5 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો થઈ શકે છે. કોમોડિટી એક્સપર્ટ્સનું માનવું છે કે ભારતમાં ક્રૂડ ઓઈલની સપ્લાયને લઈને કોઈ મોટી સમસ્યા નથી કારણ કે ભારત પાસે હવે વૈકલ્પિક સપ્લાયર્સ ઉપલબ્ધ છે, પરંતુ વૈશ્વિક બજારના વધતા ભાવોની સીધી અસર સ્થાનિક ગ્રાહકો પર પડી શકે છે.

અંતરરાષ્ટ્રીય બજારમાં તેજીનું મુખ્ય કારણ સાઉદી અરેબિયા પર થયેલા હુમલા અને ઈરાનનો નિર્ણય છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે જેમાં સાઉદી અરેબિયાની જીઝાન રિફાઈનરી (જે રોજની 400,000 બેરલ ઓઈલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે) પર હૂથી વિદ્રોહીઓ દ્વારા થયેલા હુમલાને કારણે બજારમાં ફફડાટ વ્યાપ્યો છે. આ ઉપરાંત ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં નવું શિપિંગ કોરિડોર બનાવવાની ઘોષણા કરી છે, જેના કારણે આ જળમાર્ગમાંથી ઓઈલ ટેન્કરોની અવરજવર વધુ જોખમી અને મુશ્કેલ બની ગઈ છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ અને યુએસ ક્રૂડ (આશરે 94 ડોલર પ્રતિ બેરલ) પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. જો મિડલ ઈસ્ટની આ પરિસ્થિતિ આગામી દિવસોમાં કાબૂમાં નહીં આવે, તો ભારતીય બજારમાં ઈંધણના ભાવ વધવાની પૂરેપૂરી સંભાવના છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular