અમદાવાદ, 2 જુન, 2026 : Photo session of BJP leaders in the name of cleanliness campaign શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજના દરવાજાનું મરામતનું કામ ચાલતું હોવાથી બેરેજના દરવાજા ખૂલ્લા કરીને નદીમાંથી પાણી ખાલી કરવામા આવ્યું છે, તેથી સાબરમતી નદી અને રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણલક્ષી રાખવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા આજે 2 જૂનથી 5 જૂન સુધી નદીના પટમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજે સવારે 8 વાગ્યે સાબરમતી ગાંધી આશ્રમ પાસેના નદીના પટમાં મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં દર્શનાબેન વાઘેલા, ધારાસભ્યો અને નવનિયુક્ત કોર્પોરેટરો તેમજ મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓ માત્ર નદીમાં ફોટો સેશન કરાવવા માટે ઉતર્યા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ભાજપના નવનિયુક્ત કોર્પોરેટરોમાંથી 50 ટકા કોર્પોરેટરો તો સાબરમતી નદીના પટમાં ઉતર્યા નહોતા. ફોટો સેશન બાદ ભાજપના પદાધિકારીઓ રવાના થઈ ગયા હતા.
અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ 8 વાગ્યે સાબરમતી નદી ખાતે પહોંચ્યા હતા, જ્યાં 20 મિનિટ સુધી સાબરમતી નદીની સફાઈ કરી હતી અને ફોટો સેશન કરાવ્યું હતું. ભાજપના ધારાસભ્યો પણ તેમના મતવિસ્તારના કોર્પોરેટરો સાથે ફોટોસેશન કરાવ્યું હતું. ત્યારબાદ નવ નિયુક્ત કોર્પોરેટરો સફાઈ અભિયાનમાં શ્રમદાન કરી અને ખરેખર સ્વચ્છતાનો મેસેજ આપવાનો હોય, તેના બદલે મંત્રી ઋષિકેશ પટેલની સાથે રવાના થઈ ગયા હતા. 30 મિનિટમાં કાર્યક્રમ પૂર્ણ કરી મેયર સહિતના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો સાબરમતી ગાંધી આશ્રમથી રવાના થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમિત શાહ, કૌશિક જૈન, ડો. હર્ષદ પટેલ એમ ત્રણ ધારાસભ્યો જ હાજર રહ્યા હતા.
શહેરની સાબરમતી નદી સફાઈ અભિયાનમાં મેયર હિતેશ બારોટ સહિતના મુખ્ય પદાધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અધિકારીઓ, NCC, પોલીસ અને વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી. સાબરમતી નદીની સફાઈ કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નદીના પટમાં જ્યાં સફાઈ કરવાની હતી, તેના થોડી આગળના ભાગે જ પાણી ભરેલું હતું. નદીના પટમાં ઊગેલા ઘાસને દૂર કરવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં ખરેખર પ્લાસ્ટિકનો કચરો અને અન્ય ખરાબ વસ્તુઓને દૂર કરવાની હતી. જોકે, જે ઘાસ ઉગેલું હતું તેને દૂર કરવામાં આવ્યું હતું.

