ધો.10 અને 12ની પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ તરીકે પ્રાથમિક શિક્ષકોને ફરજ સોંપાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 145મી માર્ચથી લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ તરીકે 200 જેટલાં પ્રાથમિક શિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવશે. જેમાં જિલ્લાના ચાર ઝોન મુજબ 50-50 શિક્ષકોને ફરજ સોંપવામાં આવશે.. સરકારી પ્રતિનિધિઓ તરીકે પરીક્ષા દરમિયાન શું શું અને કેવા કેવા પ્રકારની કામગીરી કરવી તેની જાણકારી આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 14મી, માર્ચ-2023ના રોજ ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવાશે. પરીક્ષામાં ગેરરીતિની સ્થિતિ ઉભી થાય નહી તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રોને સ્ટ્રોંગ રૂમમાંથી પરીક્ષા કેન્દ્ર ખાતે લઇ જવા અને લાવવાની કામગીરી સરકારી પ્રતિનિધિઓને સોંપવામાં આવશે. સરકારી પ્રતિનિધિ તરીકેની કામગીરી જિલ્લાની પ્રાથમિક શાળાના 200 શિક્ષકોને સોંપવામાં આવશે. જોકે સરકારી પ્રતિનિધિ દ્વારા શિક્ષણ બોર્ડની એપની સાથે લાઇવ રહેશે. તેમાં સ્ટ્રોંગ રૂમમાંથી પેપરના લીધેલા બંડલના બોક્સ સીલબંધ પેક હતા તેનો ફોટોગ્રાફ લઇને એપમાં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્નપત્રોને પરીક્ષા કેન્દ્ર ખાતે લઇ ગયા બાદ કોને પ્રશ્નપત્રોના સીલબંધ બંડલોના બોક્સ આપ્યા તેનો ફોટો લેવાનો રહેશે. ત્યારબાદ પરીક્ષાખંડમાં પ્રશ્નપત્રનું બંડલો મોકલવા માટે મુખ્ય પ્રશ્નપત્રના બંડલના બોક્સને સીલ તોડતો ફોટો લેવાનો રહેશે. ત્યાર બાદ બોક્સમાંથી કેટલા બંડલ નિકળ્યા તેનો ફોટો લેવાનો રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પરીક્ષાખંડમાં ખંડ નિરીક્ષકે પ્રશ્નપત્રનું સીલબંધ બંડલ આપ્યું તેમ વિવિધ આઠેક પ્રકારના ફોટો પાડીને તેને શિક્ષણ બોર્ડની એપ ઉપર અપલોડ કરવાના રહેશે. જેની તાલીમ આગામી સમયમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં 200 જેટલા પ્રાથમિક શિક્ષકોને ડ્યૂટી સોંપવામાં આવશે. જે માટે પ્રાથમિક શિક્ષકોને સરકારી પ્રતિનિધિ તરીકે કરવાની કામગીરીની માહિતી આપવામાં આવશે. બોર્ડની પરીક્ષા આગામી 14મી માર્ચથી શરૂ થવાની છે.જેની તૈયારી કરી લેવાઇ છે.(file photo)