અમદાવાદ, 28 ઓગસ્ટ 2026: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા જનજાતિ સમાજની સ્નેહ, આત્મીયતા, સમરસતા અને રાષ્ટ્રભાવનાને સમગ્ર સમાજ સાથે જોડવાના હેતુથી વિશેષ રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો.
જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા ATS કચેરી ખાતે સુપરીટેન્ડેન્ટ, અધિકારીઓ, ચેતક કમાન્ડો અને જવાનોને રાખડી બાંધી સમાજની સુરક્ષા અને શાંતિ માટે તેઓ દ્વારા કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી, મેયરશ્રી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને પણ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. શહેરની સ્વચ્છતા, આરોગ્ય, વ્યવસ્થા અને વિકાસ માટે સતત કાર્યરત કર્મચારીઓની સેવાઓ પ્રત્યે સન્માન વ્યક્ત કરવામાં આવ્યું.
“તું મેં એક રક્ત” એ જનજાતિ કલ્યાણ આશ્રમનું ધ્યેય વાક્ય છે. આ ધ્યેય સાથે જનજાતિ સમાજ અને સમગ્ર સમાજને એક પરિવારના ભાવથી જોડવાનો તથા સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રક્ષાબંધનના આ પવિત્ર પર્વે જનજાતિ સમાજના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ અધિકારીઓ-જવાનો તથા મ્યુનિસિપલ અધિકારીઓ-કર્મચારીઓને રાખડી બાંધીને સ્નેહ, વિશ્વાસ, સુરક્ષા અને પરસ્પર જવાબદારીનો સંબંધ વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો.
આ કાર્યક્રમ દ્વારા જનજાતિ સમાજ અને શહેરી સમાજ વચ્ચે સામાજિક સમરસતા, ભાઈચારો અને રાષ્ટ્રીય એકતાનો સેતુ મજબૂત કરવાનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો.


