
સુરેન્દ્રનગરના ખેડૂતોને હાઈકોર્ટમાંથી રાહતઃ 2019ના રવી પાક નુકસાનની વીમા રકમ ચુકવવા નિર્દેશ
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. જેની પાક વીમાની રકમ નહીં મળી હોવાથી કેટલાક ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. હાઈકોર્ટે સુનાવણીના અંતે ખેડૂતોને વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો.
કેસની હકીકત અનુસાર સુરેન્દ્રનગરમાં 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોના રવી પાક એવા કપાસ અને એરંડાને નુસકાન થયું હતું. સરકાર દ્વારા માવઠામાં થયેલા નુકસાન અંગે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી. જો કે, કેટલાક ખેડૂતોને પાક વીમાની રકમ મળી ન હતી. જેથી આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારના કૃષિ સહાય પેકેજના સર્વેના આધારે ખેડૂતોને વળતર આપવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત અરજદાર 30 ખેડૂતો ઉપરાંત જિલ્લામાં તમામ ખેડૂતોને વીમાની રકમ ચુકવવા નિર્દેશ કર્યો હતો. સરકારના સર્વેમાં પાકને 33 ટકા નુકસાન પણ પાકવીમા કંપનીએ વીમો આપ્યો ન હતો. વીમા કંપનીએ જૂદા જૂદા બહાના કાઢીને ખેડૂતોના ક્લેઈમને નકાર્યો હતો અને કેટલાકને માત્ર 1 ટકા વળતર આપ્યું હતું.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ખેડૂતોએ નુકસાનની જાણ મોડી કરી હતી તેનો મતલબ તેમને વીમો ન આપવો તે યોગ્ય નથી. ખેડૂતોએ વીમા કંપનીને મોડી જાણ કરી હોવા છતાં પૂરો વીમો આપવો પડશે.