અરિજીત સિંહની નિવૃત્તિ અંગે જાણીતા સંગીતકાર પ્રીતમે કર્યો મોટો ખુલાસો
મુંબઈ, 12 મે 2026: બોલિવૂડના સુપરસ્ટાર સિંગર અરિજીત સિંહે આ વર્ષે જાન્યુઆરીમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ નિર્ણયથી તેના લાખો ચાહકો નિરાશ થયા હતા. જોકે, હવે આ મામલે અરિજીતના નજીકના મિત્ર અને જાણીતા સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીએ મૌન તોડ્યું છે. પ્રીતમે સ્પષ્ટ કર્યું છે કે અરિજીતનો આ નિર્ણય કાયમી નિવૃત્તિ નથી, પરંતુ માત્ર એક ‘શોર્ટ બ્રેક’ છે.
એક તાજેતરના ઈન્ટરવ્યુમાં પ્રીતમે જણાવ્યું હતું કે, “અરિજીત સિંહના આ નિર્ણયને નિવૃત્તિ તરીકે ન જોવો જોઈએ. તે છેલ્લા ઘણા સમયથી કામના ભારણ અને ઈન્ડસ્ટ્રીના સતત વધતા દબાણ હેઠળ હતો. તે કમર્શિયલ મ્યુઝિકની ભાગદોડથી કંટાળી ગયો હતો અને તેને થોડા અંગત સમયની જરૂર હતી.”
પ્રીતમે વધુમાં ઉમેર્યું કે, ક્યારેક દિગ્દર્શકો અને પ્રોડ્યુસર્સ તરફથી એટલું દબાણ હોય છે કે ‘ના’ કહેવું મુશ્કેલ બની જાય છે. અરિજીત ઘણા બધા ગીતો ગાઈ રહ્યો હતો, જે કદાચ હવે તે ગાવા માંગતો નથી. આથી તેને પોતાની શરતો પર જીવવા માટે થોડો સમય આપવો જોઈએ.
અરિજીતના સમર્થનમાં વાત કરતા પ્રીતમે કહ્યું, “એક કલાકાર ક્યારેય નિવૃત્ત નથી થતો. તેઓ માત્ર વિરામ લે છે જેથી કંઈક નવું અને રસપ્રદ એક્સપ્લોર કરી શકે. હાલમાં અરિજીત એક ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યો છે, જેની સ્ક્રિપ્ટ ખૂબ જ સુંદર છે. તેની પોતાની જિંદગી અને અવાજ છે, તેથી ક્યારે ગાવું અને શું ગાવું તેનો નિર્ણય પણ તેનો જ હોવો જોઈએ.”
અરિજીત સિંહે જાન્યુઆરીમાં કહ્યું હતું કે તે નવા અસાઇનમેન્ટ્સ લેશે નહીં, પરંતુ જે જૂના કમિટમેન્ટ્સ છે તે પૂરા કરશે. પ્રીતમના આ નિવેદન બાદ હવે ચાહકોમાં આશા જાગી છે કે થોડા સમયના વિરામ બાદ તેમનો મનપસંદ ગાયક ફરીથી માઇક પર પાછો ફરશે.


