Homeગુજરાતીદેશ-વિદેશરશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ઈરાની રાષ્ટ્રપતિએ આર્થિક સહયોગ વધારવા પર ભાર મુક્યો

રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ઈરાની રાષ્ટ્રપતિએ આર્થિક સહયોગ વધારવા પર ભાર મુક્યો

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2026: નવી દિલ્હી ખાતે આયોજિત બ્રિક્સ બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં વૈશ્વિક અર્થતંત્ર, ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ અને પરસ્પર સહયોગને લઈને અનેક મોટા નિવેદનો સામે આવ્યા છે. આ ફોરમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કીયાનએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવાની સાથે-સાથે બ્રિક્સ દેશો વચ્ચે વ્યાપારી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજની દુનિયા વ્યાપક બદલાવ અને પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આજના આ જટિલ સમયમાં ઉદ્ભવતી વિવિધ મુશ્કેલીઓ અને આર્થિક પડકારોનો સામનો કરવા માટે બ્રિક્સ એક સશક્ત મંચ સાબિત થઈ શકે છે. રશિયન રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બ્રિક્સ દેશો વચ્ચે પરસ્પર વેપાર અને વાણિજ્યને વધુ વેગ આપવો એ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ, જેથી તમામ સભ્ય દેશો આર્થિક રીતે વધુ આત્મનિર્ભર બની શકે.

બ્રિક્સ બિઝનેસ ફોરમમાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને G7 ની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું, “આપણે 40% છીએ, અને તેઓ આપણા કરતા ઓછા છે.” તેમણે વધુમાં કહ્યું કે, આપણે વિશ્વમાં વિકાસના નવા એન્જિન ઉભરી રહ્યા છે. દુનિયા હંમેશા બદલાતી રહે છે, અને આ સત્ય છે. દુનિયા પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. માનવતાના કલ્યાણ માટે પરિવર્તન જરૂરી છે.

બ્રિક્સ બિઝનેસ ફોરમની ઉચ્ચસ્તરીય નેતૃત્વ બેઠકને સંબોધિત કરતા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કીયાને જણાવ્યું હતું કે, “આજે વિશ્વ પોતાના સૌથી જટિલ અને પડકારજનક સમયમાંથી એકમાંથી પસાર થઈ રહ્યું છે.” તેમણે વૈશ્વિક સ્તરે વધી રહેલી ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ, સપ્લાય ચેઈનમાં સતત થઈ રહેલા અવરોધો અને રાજકીય દબાણ લાવવા માટે આર્થિક સાધનો તથા પ્રતિબંધોના વધી રહેલા ઉપયોગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે આ તમામ પરિબળોએ દેશોના સામાન્ય આર્થિક કામકાજ અને વ્યાપારી વાતાવરણને અત્યંત જટિલ બનાવી દીધું છે.

  • સંભવિત સહયોગથી વ્યવહારિક સહયોગ તરફ આગળ વધવાનો સમય

ઈરાની રાષ્ટ્રપતિએ સવાલ ઉઠાવ્યો હતો કે આટલા બધા વૈશ્વિક પડકારો સામે બ્રિક્સ જૂથની શું પ્રતિક્રિયા હોવી જોઈએ? આનો જવાબ આપતા તેમણે કહ્યું કે અમારું સ્પષ્ટ માનવું છે કે બ્રિક્સની વાસ્તવિક તાકાત માત્ર તેના સભ્ય દેશોની અર્થવ્યવસ્થાના મોટા કદ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ત્યારે સૌથી વધુ પ્રભાવશાળી બને છે જ્યારે આ તમામ ક્ષમતાઓ અને સંસાધનોને વ્યાપાર, રોકાણ અને સંયુક્ત નાણાકીય ભંડોળના એક વિશાળ નેટવર્કમાં પરિવર્તિત કરવામાં આવે.

તેમણે આ વાત પર ભાર મૂક્યો હતો કે, હવે માત્ર કાગળ પર કે સૈદ્ધાંતિક રીતે સંભવિત સહયોગની ચર્ચા કરવાના બદલે ‘સંભવિત સહયોગથી વાસ્તવિક અને વ્યવહારિક સહયોગ’ તરફ આગળ વધવાનો આ સાચો સમય છે. આ પગલાંથી માત્ર બ્રિક્સ રાષ્ટ્રો જ નહીં પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ એક નવી સ્થિરતા પ્રાપ્ત થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular