Homeગુજરાતીદેશ-વિદેશનરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બેઠક: દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક...

નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બેઠક: દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પર થઈ ચર્ચા

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે આયોજિત 18મા બ્રિક્સ શિખર સમિટ દરમિયાન રશિયન સંઘના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક ઉચ્ચસ્તરીય મુલાકાત કરી હતી. ચાલુ વર્ષે બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત છે. આ અગાઉ બંને નેતાઓ ગત ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ બિશ્કેક ખાતે યોજાયેલા 26મા એસસીઓ શિખર સમિટ દરમિયાન મળ્યા હતા. આ બેઠક દરમિયાન બંને દેશોના શીર્ષ નેતૃત્વએ રાજકીય, આર્થિક, રક્ષા, ઊર્જા, અંતરિક્ષ, કૌશલ્ય ગતિશીલતા (સ્કીલ મોબિલિટી) અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધો (પીપલ-ટુ-પીપલ કોન્ટેક્ટ) જેવા વિવિધ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બનેલા રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ ઇરાન સંઘર્ષ પર પણ ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓ વચ્ચે હોર્મુઝ અને બ્લેક સી વિસ્તારમાં દરિયાઈ જહાજોમાં ફસાયેલા ભારતીય નાવિકો તથા જહાજકર્મીઓની સુરક્ષા અને સલામતીને લઈને વિશેષ વાતચીત થઈ હતી. પશ્ચિમ એશિયા અને કાળા સાગર ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષોની સીધી અસર દરિયાઈ વેપાર અને ભારતીય નાવિકોની સુરક્ષા પર પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. આ સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે, વાતચીત અને કૂટનીતિ જ કોઈપણ જટિલ સંઘર્ષોને ઉકેલવાનો એકમાત્ર સાચો રસ્તો છે, અને ભારત વૈશ્વિક શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં દરેક સંભવ મદદ કરવા માટે હંમેશાં તૈયાર છે.

  • ઈનોપ્રોમ ઈન્ડિયા પ્રદર્શનની સફલતા અને વેપારી સંબંધો

બંને નેતાઓએ ભારતમાં પ્રથમ વખત તા. 9 થી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાયેલી રશિયાની આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક પ્રદર્શનની પહેલ “ઇનોપ્રોમ ઇન્ડિયા”ના આયોજનને વધાવ્યું હતું. તેમણે આ પ્રદર્શનના માધ્યમથી બંને દેશો વચ્ચેના વેપારી અને ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં તેના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. બેઠક બાદ બંને નેતાઓએ ‘ઇનોપ્રોમ ઇન્ડિયા’ પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી અને તેમાં ભાગ લેનારા ઉદ્યોગકારો તથા પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરી હતી.

  • બ્રિક્સ અને વૈશ્વિક મંચો પર ભારત-રશિયા મજબૂત જોડાણ

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, બંને નેતાઓએ બહુપક્ષીય મંચો પર ભારત-રશિયાના પરસ્પર સહયોગ વિશે પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું, ખાસ કરીને વર્ષ 2026 માં ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલા બ્રિક્સ સમિટના સંદર્ભમાં આ ચર્ચા અત્યંત ફળદાયી રહી હતી. ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ અને વૈશ્વિક ઉથલપાથલ હોવા છતાં બંને દેશો વચ્ચેની ‘વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારી’માં સતત અદભુત વધારો થઈ રહ્યો છે અને આ સંબંધો સમયની એરણ પર વધુ મજબૂત સાબિત થયા છે.

આ બેઠકનો અંત આવતા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગામી 24મા ભારત-રશિયા વાર્ષિક શિખર સમિટ માટે રશિયાની સત્તાવાર મુલાકાતે આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ નિમંત્રણ સ્વીકારી લીધું છે. આ શિખર સંમેલનની ચોક્કસ તારીખો આગામી સમયમાં રાજદ્વારી માધ્યમો દ્વારા પરસ્પરની અનુકૂળતા મુજબ નક્કી કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular