નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે હવે માત્ર ક્રૂડ ઓઈલની અછત જ નહીં, પરંતુ વિશ્વના બે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો બંધ થવાનું ગંભીર સંકટ ઊભું થયું છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે ‘હોર્મુઝ સ્ટેટ’માંથી જહાજોની અવરજવર નહિવત થઈ ગઈ છે. યુદ્ધ પહેલાં જ્યાં રોજ ૧૨૫ કોમર્શિયલ જહાજો પસાર થતા હતા, ત્યાં હવે માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જહાજો નીકળી રહ્યા છે. બીજી તરફ, યમનના હૂથી બળવાખોરોએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘માયૂમ દ્વીપ’ (પેરિમ આઇલેન્ડ) પર કબજો જમાવીને બીજા સૌથી મોટા દરિયાઈ માર્ગ ‘બાબ-અલ-મંદેબ’ પર પણ પોતાની પકડ મજબૂત કરી લીધી છે.
બાબ-અલ-મંદેબ રાતો સમુદ્રને એડનની અખાત અને અરબ સાગર સાથે જોડે છે. આશરે 32 કિમી પહોળો આ માર્ગ એશિયાથી યુરોપ જતાં જહાજો માટે મુખ્ય પ્રવેશદ્વાર છે. વિશ્વના કુલ વેપારનો 10 થી 12 ટકા અને કન્ટેનર ટ્રાફિકનો આશરે ૩૦ ટકા હિસ્સો આ જ કોરિડોર પરથી પસાર થાય છે. અહીંથી દરરોજ 81 લાખ બેરલ જેટલું કચું તેલ અને પેટ્રોલીયમ પ્રોડક્ટ્સ સપ્લાય થાય છે.
જો હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ બંને માર્ગો લાંબા સમય સુધી બંધ રહે તો વૈશ્વિક સ્તરે 25 ટકા તેલ અને ગેસ સપ્લાય ઠપ થઈ શકે છે. આવી સ્થિતિમાં જહાજોએ સ્વેઝ નહેરનો ટૂંકો માર્ગ છોડીને આફ્રિકાના ‘કેપ ઓફ ગુડ હોપ’ ફરીને લાંબો ચક્કર લગાવવો પડશે. તેનાથી દરેક મુસાફરીમાં 10 થી 14 દિવસનો વધુ સમય લાગશે અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ (ભાડું) બમણું થઈ જશે. તેની અસરથી આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રિન્ટ ક્રૂડ 104 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે.
-
ભારત માટે કેટલું મોટું સંકટ?
ભારતીય અર્થતંત્ર દરિયાઈ વેપાર અને આયાતી ઈંધણ પર ખૂબ નિર્ભર છે:
વેપાર પર અસર: યુરોપ સાથે ભારતનો 80 ટકા વેપાર (દર મહિને આશરે 14 અબજ ડોલર) આ જ રસ્તેથી થાય છે.
ઈંધણ આયાત: ભારત પોતાની જરૂરિયાતનું 88-89 ટકા ક્રૂડ ઓઈલ અને 60 ટકા એલપીજી આયાત કરે છે. જેમાંથી મોટાભાગનો જથ્થો હોર્મુઝ માર્ગે આવે છે.
ડીઝલ નિકાસને ફટકો: ભારત યુરોપને મોટા પ્રમાણમાં ડીઝલની નિકાસ કરે છે (ઓગસ્ટમાં યુરોપ ગયેલા કુલ ડીઝલમાં ભારતનો હિસ્સો 60 ટકા હતો). આ માર્ગ બાધિત થવાથી ભારતની નિકાસ પર પણ સીધી અસર પડશે.
દરિયાઈ માર્ગો પરનું આ સંકટ જો જલ્દી ઉકેલાશે નહીં તો પેટ્રોલ-ડીઝલ, એલપીજી ગેસ, શિપિંગ ભાડાં અને તમામ આયાતી વસ્તુઓ મોંઘી થતાં મોંઘવારીનો નવો ભડકો થવાની પૂરી શક્યતા છે.


