Homeગુજરાતીદેશ-વિદેશનાગાલેન્ડમાં લઠ્ઠાકાંડઃ ઝેરી દારૂ પીવાથી 19 વ્યક્તિના મોત

નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડઃ ઝેરી દારૂ પીવાથી 19 વ્યક્તિના મોત

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2026: નાગાલેન્ડમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાના કારણે ઓછામાં ઓછા 19 લોકોના મોત થતાં સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, નાગાલેન્ડમાં વર્ષ 1990થી સંપૂર્ણ દારૂબંધી અમલમાં છે. આ ભયાનક દુર્ઘટના બાદ પોલીસે ભેળસેળયુક્ત દારૂની સપ્લાય ચેન અને તેના મુખ્ય સ્ત્રોતનો પર્દાફાશ કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં મોકોકચુંગ જિલ્લામાં 8 અને તુએનસાંગ જિલ્લામાં 11 લોકોના મોત નિપજ્યા છે. આ તમામ લોકોએ ગેરકાયદેસર દારૂનું સેવન કર્યું હતું. સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ વેસુપ્રા કેજોએ શનિવારે જણાવ્યું હતું કે, આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) આઈ. બંગલાંગ ચાંગની આગેવાની હેઠળ એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.

મોતનું ચોક્કસ કારણ જાણવા માટે દારૂના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે ગુવાહાટી મોકલવામાં આવ્યા છે. દારૂડીયાઓ અને બુટલેગરો સામે પોલીસે સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 19 લોકોની અટકાયત કરી છે અને આશરે 3,000 દારૂની બોટલો જપ્ત કરી છે. પોલીસે ઉમેર્યું હતું કે તપાસમાં કેટલાક મહત્વના સુરાગ મળ્યા છે, પરંતુ તપાસ ચાલી રહી હોવાથી વધુ વિગતો જાહેર કરવી વહેલી ગણાશે.

ઘટના બાદ પોલીસ તંત્રે સ્થાનિક નાગરિકોને કોઈ પણ પ્રકારનો બિનવારસી, લેબલ વગરનો કે શંકાસ્પદ ગેરકાયદે દારૂ ના પીવા કડક ચેતવણી આપી છે. આ સાથે જ પોલીસે લોકોને અપીલ કરી છે કે જો દારૂ પીધા પછી ચક્કર આવવા, વિઝન ધૂંધળું થવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક નજીકના ડોક્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular