1. Home
  2. ગુજરાતી
  3. આપણા રાષ્ટ્રરત્નો: જય હિંદ ના જન્મદાતા – સુભાષચંદ્ર બોઝ
આપણા રાષ્ટ્રરત્નો: જય હિંદ ના જન્મદાતા – સુભાષચંદ્ર બોઝ

આપણા રાષ્ટ્રરત્નો: જય હિંદ ના જન્મદાતા – સુભાષચંદ્ર બોઝ

0
Social Share

પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

“ હું તમારો “નેતાજી”  થયો છું, પરંતુ તમને આપવાને મારી પાસે કેવળ ભૂખ થાક અને મૃત્યુ સિવાય બીજું કાંઈ નથી. આવો દોસ્તો ! હું તમને મૃત્યુના સમારોહમાં સામેલ થવાનું ઇજન આપું છું. સાચું મહત્વ તો આપણા પ્રયાસમાં ને આપણા મૃત્યુમાં હિંદની આઝાદી રહી છે , એ ચિરંજીવ શ્રદ્ધામાં છે ….!!”

અને  સ્વરાષ્ટ્ર માટે રાષ્ટ્ર ગર્જના કરી કે “તુમ મુજે ખૂન દો માઇ તુમ્હે આઝાદી દૂંગા”   આઝાદીની લડત ને વધુ પ્રજ્વલ્લીત કરવા માટે હિંદશક્તિ ને આઝાદી માટે સંગઠિત કરી ને એમના માં રાષ્ટ્રપ્રેમ માટે પ્રાણ આપવાનું ભગીરથ કાર્ય કરનાર નેતાજી સુભાષચંદ્ર બોસ ની આજે ૧૨૫મી જન્મ જયંતી છે .આપણી આઝાદી માટે આ મહામાનવ નું યોગદાન અતિ અમૂલ્ય છે અને અવિસ્મરણીય છે .પોતાનું આખું જીવન આઝાદી માટે સમર્પિત કરી આપણા સ્વરાષ્ટ્ર્ર નું સર્જન કરનાર સુભાષ બાબુ આજે એમના ગાઢ રાષ્ટ્રપ્રેમ ના લીધે હિંદ હ્ર્દયમાં જીવંત છે

આજથી ૧૨૫ વર્ષ પહેલા ઇસ ૧૮૯૭ ની ૨૩મી જાન્યુઆરીએ પિતા જાનકીનાથ બોઝ અને માતા પ્રભાવતી દેવીના ખોળે આ રાષ્ટ્રરત્નનો જન્મ થયો . પિતા જાનકીનાથે અને માતા પ્રભાવતી એ બાળપણથી જ એમના બાળકો ખડતલ બને , જીવન સાદગીથી સમૃદ્ધ બને ગમે તે પરિસ્થિતિ માં રહેવામાં સંકોચ ન અનુભવે , વ્યવસ્થા શક્તિ ખીલે , સ્વમાનભેર ઈચ્છા શક્તિ નો વિકાસ થાય , જન સેવા , ભુખ્યાને ભોજન ગરીબો ને દાન, માંદાની માવજત જેવા સમાજ કલ્યાણ અને રાષ્ટ્રકલ્યાણ માટેના સંસ્કારોનું સિંચન કર્યું  અને આ સંસ્કારોથી સુભાષ બાબુ એ એમનું આખું જીવન રાષ્ટ્રસેવામાં સમર્પિત કર્યું .

એમના કોલેજ કાળમાં એ સમયે સમગ્ર કલકત્તા ને કોલેરાના ભયંકર રોગ માં ઝપેટમાં લીધું હતું આ સમયે નવયુવાન સુભાષ બાબુ એ ઘરબાર છોડી ને ખાવા પીવા નું છોડી રાત દિવસ કોલેરાથી અસરગ્રસ્ત ગરીબોની સેવા ચાકરી કરી ને પોતાની યુવાનીને જનસેવાના માધ્યમથી શોભાયમાન કરી . સ્વામી વિવેકાનંદ ના ગ્રંથો ના સતત અધ્યયનથી એમને સંસારમાં આસક્તિભાવ નો જન્મ થયો અને સુભાષ બાબુના મનમાં હિન્દુસ્તાનની આઝાદી એ જ એમના આત્માના કલ્યાણ કાર્ય સમાન બની ! એમનું મન ઉપવાસો તરફ દોરાયું . શરીર ને ઠંડી ગરમી અને પ્રતિકૂળ સંજોગો માં પણ ટકી રહેવા માટે તૈયાર કર્યું . વિવેકાનંદજી ના ગ્રંથસ્થ વિચારો એ એમના જીવન માં સાધુતા ને જન્મ આપ્યો અને એ ગુરુ શોધવા માટે હિમાલયની ગિરી કંદરાઓ માં ધુમ્યા પણ એમના હિમાલય વિચરણ માં  ખાસ ધ્યાન દોરે એવી વાત એ હતી કે સુભાષ બાબુ ને પરલોકમાં આત્માનું કલ્યાણ થાય એવી આધ્યાત્મિક ઈચ્છા નોહતી પણ આજ લોક માં તેઓ માતૃભૂમિ ની મુક્તિ માટે જીવન સમર્પિત કરે અને એ માટે તેમણે માર્ગદર્શન મળે એવા ગુરુ મળે એવી હતી . હિમાલયમાં  એમની ગુરુ શોધવાની ઈચ્છા અધૂરી રહી પણ તેઓ માં ભારતી ના સ્વમાન માટે ગમે તેવો ભોગ આપવા માટે તૈયાર થયા. અને તેઓ હિમાલયથી એમના શહેરમાં પાછા ફર્યા .

૨૫  વર્ષની ભારયુવાનીભરી ઉંમરમાં યુનિવર્સીટીમાં  માં ભણતી વખતે જ  અન્યાય વિરુદ્ધ આવાજ બુલંદ કરવાની  તેમની લડાયક પ્રવૃત્તિ ના દર્શન થતા રહ્યા . કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજ ના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેન નું ભારતીય વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક વ્યવહાર સામે સુભાષચંદ્ર બોઝ ના વિદ્યાર્થી  નેતૃત્વમાં યુનિવર્સીટીમાં માં હડ઼તાલ કરાઈ . ત્યારબાદ  ૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવા ની પરીક્ષામાં માં ઉત્તીર્ણ થવામાં સફળ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનું યોગ્ય ના લાગ્યું અને તેમણે તાત્કાલિક  રાજીનામું આપી તેઓ સ્વરાષ્ટ્રના મહાન  કાર્ય માટે  પાછા ભારત આવ્યા અને શરુ થઇ તેમની આઝાદી અને રાષ્ટ્ર કલ્યાણ માટે ની રાજકીય સફર આ સફર દરમિયાન તેમણે  બાર વર્ષ જેલવાસ અને  કારાવાસ માં કાઢ્યા. દેશમાં રહી ને દેશની  આઝાદી માટે કાર્ય કરવું તેમને અડચણ ભરેલું લાગતા તેમણે ત્રણ વર્ષ યુરોપમાં રહી ને દેશ ને આઝાદ કરવા માટેના કાર્યનો પ્રચંડ આરંભ કર્યો  યુરોપમાં સ્વતંત્રતા સેનાની  વિઠ્ઠલભાઈ પટેલને મળી ને પટેલ સાથે સુભાષબાબુએ સ્વરાષ્ટ્ર્ર માટે અને રાષ્ટ્રકલ્યાણ માટે  પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું.

૧૯૩૪ની સાલમાં સુભાષબાબુએ તેમના પિતાજી ના જીવન ના  અંતિમ દિવસો ચાલી રહ્યા હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા આવ્યા . કરાંચીમાં તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકાર એ તેમની અટકાયત  કરી અને ઘણાં દિવસો માટે  જેલમાં રાખી અને  યુરોપ મોકલી દીધાં. સુભાષ બાબુ નો રાષ્ટ્રપ્રેમ અને આઝાદી ના કાર્ય માટે નું ઝનૂન અને દેશ માં એમના કર્યો ની પ્રતિષ્ઠા   દિવસે ને દિવસે વધતી જતી હતી અને એનું પરિણામ એ આવ્યું કે 1938 ની સાલમાં  કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનનું  હરિપુરા માં આયોજન થયું આ અધિવેશન પહેલા ગાંધીજી એ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષબાબુ ની પસંદગી કરી. આ કૉંગ્રેસ નું ૫૧મું અધિવેશન હતું. તેથી કૉંગ્રેસના નવનિર્વાચિત  અધ્યક્ષ સુભાષબાબુનું સ્વાગત 51 બળદે ખેંચેલા રથમાં કરવામાં આવ્યું આ અધિવેશન મા સુભાષબાબુ  નુ અધ્યક્ષીય ભાષણ ખુબ અસરદાર રહ્યું .આજ દિન સુધીના ઇતિહાસમાં  કોઇપણ ભારતીય રાજકીય વ્યક્તી એ કદાચ જ આવું  પ્રભાવી ભાષણ કયારેય નહિ કર્યું હોય સુભાષ બાબુના  નિર્ણયો કોંગ્રેસને માફક ના આવ્યા  કોંગ્રેસ ની રાજકીય ખટપટો ના લીધે 1939 માં સુભાષ બાબુ એ કોંગ્રેસ માંથી રાજીનામુ આપ્યું 3 મે, ૧૯૩૯ ના દિવસે, સુભાષબાબૂએ કાંગ્રેસના અંતર્ગત ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાના સ્વતંત્ર પક્ષ ની  સ્થાપના કરી અને  ફૉરવર્ડ બ્લૉક ના માધ્યમથી સ્વતંત્રતા સંગ્રામ વધારે વહેલો કરવા માટે લોકો ને જગાડવાનું કામ પુરજોશ માં શરૂ કર્યું અને આ કારણો સર અંગ્રેજ સરકારએ સુભાષબાબૂ સહિત ફૉરવર્ડ બ્લૉકના બધા મુખ્ય નેતાઓની ધરપકડ કરી લીધી સુભાષબાબુની નજરકેદ કરી અને  નજરકેદથી છુટવા માટે સુભાષબાબુએ એક યોજના બનાવી. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ તેમણે ૫ઠાણનો વેશ ઘારણ કરીને મહમદ ઝીયાઉદ્દીનના નામથી પોલીસને છેતરીને પોતાના ઘરેથી ભાગી છુટ્યા .ગોમોહ રેલ્વે સ્ટેશનથી  તેઓ પેશાવર પહોચ્યા  ત્યાંથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તરફ પ્રયાણ કર્યું  કાબુલમાં સુભાષબાબુ બે મહિના સુધી ઉત્તમચંદ મલ્હોત્રા નામના એક ભારતીય વેપારીને ત્યાં બહેરા મૂંગા બનીને રહયા અને ત્યાંથી કાબુલથી રેલ્વે દ્વારા રૂસની રાજધાની મોસ્કોથી જર્મનીની રાજધાની બર્લિન પહોચ્યા.બર્લિનમાં સુભાષબાબૂ સર્વપ્રથમ  જર્મનીના અન્ય નેતાઓ ને મળ્યા.

સુભાષબાબુ નો દેશપ્રેમ  જર્મનીમાં વધારે રંગ લાવ્યો અને  ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ  હિંદ રેડિઓની સ્થાપના કરી . એજ સમયથી સુભાષબાબૂ, “નેતાજી” ના હુલામણા નામથી લોકહ્ર્દય માં સ્થાન પામ્યા અને ૨૯  માર્ચ, ૧૯૪૨ ના દિવસે , સુભાષબાબૂ જર્મનીના સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલરને મળ્યા બર્લિનમાં હિટલરે એમનું જાહેરમાં સ્વાગત કર્યું અને ” હિંદ ના સરનશીન ” નું બિરુદ આપ્યું . 21 ઓક્ટોબર, 1943ના દિવસે , નેતાજીએ સિંગાપુરમાં અર્જી-હુકુમત-એ- આઝાદ -હિંદ ની સ્થાપના કરી . તેઓ  આ સરકારના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રી બન્યા .આ સરકારને કુલ નવ દેશોંની માન્યતા મળી . નેતાજી આજ઼ાદ હિન્દ ફૌજના પ્રધાન સેનાપતિ પણ બની ગયા . . આજ઼ાદ હિન્દ ફ઼ૌજમાં મહિલાઓ માટે ઝાઁસી કી રાની રેજિમેંટ પણ બનાવવામાં આવી .પૂર્વ એશિયામાં નેતાજીએ ભાષણ કરીને ત્યાંના સ્થાનિક  ભારતીયોને આજ઼ાદ હિન્દ ફૌજમાં ભરતી થવા માટે અને એમને આર્થિક મદદ કરવા માટે આહવાન કર્યું કે  “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આજાદી દૂઁગા” હિન્દ ફૌજએ જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ કર્યું .પોતાની ફૌજને પ્રેરિત કરવા માટે નેતાજીએ ” ચલો દિલ્લી “નો નારો આપ્યો  . બંને ફૌજોએ અંગ્રેજોં પાસેથી અંદમાન અને નિકોબાર દ્વીપ જીતી લીધા . આ દ્વીપ અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદના અનુશાસનમાં રહ્યા . નેતાજીએ આ દ્વીપોંનું ” શહીદ ઔર સ્વરાજ દ્વીપ ” નામ આપ્યું . કુદરતી કારણો સર આઝાદ હિંદ ફોજ ને પાછળ હટવું પડ્યું ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા પણ આજે પણ એમના આઝાદી માટેના કાર્યોથી અને રાષ્ટ્રસમર્પણથી  દેશવાસીઓ ના હ્ર્દયમાં એમની ચેતના જીવંત છે .

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code