નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી શમીની અલગ રહેતી પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરાયેલી અરજી પર જવાબ માંગ્યો છે, જેમાં તેના ભરણપોષણમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. હસીન જહાંએ કોર્ટને જણાવ્યું છે કે હાલની રકમ તેના અને તેની પુત્રીના ખર્ચ માટે પૂરતી નથી.
સુનાવણી દરમિયાન, બેન્ચે મૌખિક રીતે ટિપ્પણી કરી કે કલકત્તા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી વચગાળાની રાહતની રકમ એકદમ વાજબી લાગે છે. કોર્ટે ઉમેર્યું કે અંતિમ નિર્ણય લેતા પહેલા બંને પક્ષોને સાંભળવા જરૂરી છે.
હાઈકોર્ટનો આદેશ
અગાઉ, કોલકાતા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે મોહમ્મદ શમી તેની પત્ની અને પુત્રીને ભરણપોષણ તરીકે દર મહિને કુલ 4 લાખ રૂપિયા ચૂકવે. હાઈકોર્ટે હસીન જહાંને માસિક 1.50 લાખ અને તેની પુત્રીને 2.50 લાખ ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. હસીન જહાંએ હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે, જેમાં વધારાની રકમની માંગ કરવામાં આવી છે.
મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચેનો વિવાદ 2018 થી ચાલી રહ્યો છે. હસીન જહાંએ શમી પર ઘરેલુ હિંસા અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, બંને અલગ રહેવા લાગ્યા. આ કેસ હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ છે, અને આગામી સુનાવણીમાં બંને પક્ષોએ પોતાના જવાબો દાખલ કરવાના રહેશે.

