Homeગુજરાતીજંતર-મંતર ખાતે માસ્ક પહેરીને ઉપદ્રવ મચાવનારાઓની ઓળખ થશે છતી, પોલીસે શરૂ કરી...

જંતર-મંતર ખાતે માસ્ક પહેરીને ઉપદ્રવ મચાવનારાઓની ઓળખ થશે છતી, પોલીસે શરૂ કરી તપાસ

નવી દિલ્હી, 31 જુલાઈ 2026: પેપર લીક પ્રકરણ અને શિક્ષણ પ્રધાનના રાજીનામાની માગ સાથે દેશની રાજધાની નવી દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા યોજવામાં આવેલું વિરોધ પ્રદર્શન આખરે સમાપ્ત થઈ ગયું છે. જો કે, ગત 20 જુલાઈએ પ્રદર્શનકારીઓ દ્વારા કાઢવામાં આવેલા ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસ સાથે થયેલી ઉગ્ર અને હિંસક અથડામણને કારણે માહોલ અત્યંત તંગ બન્યો હતો. આ હિંસક ઝડપમાં બંને પક્ષે મોટા પ્રમાણમાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે દિલ્હી પોલીસ આ હિંસામાં સામેલ ઉપદ્રવીઓની કુંડળી તપાસી રહી છે અને ખાસ કરીને ચહેરા ઢાંકીને પોલીસ પર હુમલો કરનારા તત્વોની સઘન ઓળખ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસ ‘ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ’ (FRS) નો ઉપયોગ કરીને 2873 શંકાસ્પદ ઉપદ્રવીઓની ઓળખ કરી ચૂકી છે. આ પ્રક્રિયા બાદ હવે ખાસ કરીને મોં પર માસ્ક પહેરીને હિંસા ફેલાવનારાઓની વિશેષ ભાળ મેળવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા અનેક વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ચહેરા પર રૂમાલ કે માસ્ક બાંધેલા કેટલાક લોકો લાઠી-ડંડા વડે પોલીસકર્મીઓ પર નિર્દયતાથી હુમલો કરી રહ્યા છે. આ તમામ તત્વો સુધી પહોંચવા માટે પોલીસે આશરે 400 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંફોસીને માસ્ક પહેરેલા ઉપદ્રવીઓની સીક્વન્સ તૈયાર કરી છે.

  • આંદોલનકારીઓએ અગાઉથી જ વ્યુહરચના ઘડી હતી

પોલીસ તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે કે જંતર-મંતર પર પ્રદર્શન કરતા પહેલા આંદોલનકારીઓએ અગાઉથી જ વ્યુહરચના ઘડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રદર્શનમાં સામેલ થયેલા મોટાભાગના લોકોએ પોલીસ દ્વારા છોડવામાં આવતા ટીયર ગેસ (આંસુ ગેસ) ના પ્રભાવને ઓછો કરવા માટે વિવિધ AI પ્લેટફોર્મ્સ પર અગાઉથી જ ભારે સર્ચ અને રિસર્ચ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, પરંતુ પ્રદર્શનમાં સામેલ કેટલાક હાઈટેક ઉપદ્રવીઓ ચહેરા પર ખાસ સેફ્ટી માસ્ક અને પ્રોટેક્ટિવ ગૉગલ્સ પહેરીને મેદાનમાં ઉતર્યા હતા.

20 જુલાઈના રોજ યોજાયેલા આ વિવાદાસ્પદ ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જોતરાયેલા ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 130 પોલીસકર્મીઓ અને આરએએફના જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે સામે પક્ષે આશરે 65 જેટલા વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે કડક વલણ અપનાવીને વ્યાપક હિંસા ફેલાવવા બદલ કુલ 15 એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે.

બીજી તરફ, પોલીસ તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે, પ્રદર્શનકારીઓમાંથી 989 લોકો ભૂતકાળમાં ગંભીર અપરાધિક ઇતિહાસ ધરાવે છે. આ કુખ્યાત શખ્સો સામે અગાઉથી જ હત્યા, ઘાડ અને લૂંટ , યૌન ઉત્પીડન (છેડતી), અપહરણ અને અન્ય અસંખ્ય ગુનાહિત કેસો નોંધાયેલા છે.

સંબંધિત લેખો

Most Popular