Homerevoinewsધાર ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટે નમાઝ માટે ફાળવેલી જમીનને લઈને સ્થાનિકોનો વિરોધ

ધાર ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટે નમાઝ માટે ફાળવેલી જમીનને લઈને સ્થાનિકોનો વિરોધ

ભોપાલ, 31 જુલાઈ 2026: મધ્યપ્રદેશના ઐતિહાસિક અને અત્યંત સંવેદનશીલ ધાર જિલ્લા સ્થિત ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ વિવાદમાં દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ અને વચગાળાનો આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાયના નાગરિકોને શુક્રવારની નમાઝ અદા કરવા માટે ભોજશાળા પરિસનની બિલકુલ નજીક આવેલી જમીન ફાળવી છે. આ આદેશ મુજબ, ભોજશાળાની પાછળ આવેલી જમીન પર મુસ્લિમ સમુદાયના લોકો દર શુક્રવારે બપોરે 1:00 થી 2:00 વાગ્યા દરમિયાન નમાઝ અદા કરી શકશે. સાથે જ કોર્ટે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાની તમામ અનિવાર્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સખત નિર્દેશો આપ્યા છે. દરમિયાન સ્થાનિકોએ નમાઝ માટે જમીન આપવા મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે ભોજશાળા-કમાલ મૌલા વિવાદ મામલે પોતાના અગાઉના વચગાળાના આદેશને વધુ સ્પષ્ટ કરતા આ નવો નિર્દેશ આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી એક વિશેષ અરજી પર સુનાવણી હાથ ધર્યા બાદ આ મહત્ત્વપૂર્ણ આદેશ પ્રસારિત કર્યો હતો. મુસ્લિમ પક્ષના વકીલોએ અદાલતમાં રજૂઆત કરી હતી કે મધ્યપ્રદેશ હાઇકોર્ટે વિવાદિત ભોજશાળા પરિસરને મંદિર જાહેર કર્યું હોવાથી, શુક્રવારની નમાઝ માટે એક યોગ્ય અને સન્માનજનક વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને કોર્ટે ભોજશાળાની બાઉન્ડ્રી વોલ (દીવાલ) ની બિલકુલ બહાર આવેલી જમીનનો ચોક્કસ ટુકડો નમાઝ માટે નક્કી કર્યો છે.

  • સ્થાનિક રહીશો અને મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ

સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ ધાર વિસ્તારમાં અચાનક રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે. કોર્ટ દ્વારા નમાઝ માટે નક્કી કરવામાં આવેલી જમીનની આસપાસ રહેતા સ્થાનિક લોકોએ આ નિર્ણય સામે મોરચો ખોલી દીધો છે અને જબરદસ્ત વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, આ જમીન પર તેઓ છેલ્લાં કેટલાય વર્ષોથી ખેતી કરતા આવ્યા છે અને તેમની રોજીરોટીનું આ એકમાત્ર સાધન છે. આ જમીનની બિલકુલ આસપાસ તેમના પોતાના રહેણાંક મકાનો પણ આવેલા છે. જો આ જગ્યા પર મુસ્લિમ સમુદાયના લોકોને નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવશે, તો વર્ષોથી અહીં વસવાટ કરતા હિન્દુ પરિવારો બેઘર થઈ જવાની સ્થિતિમાં મુકાઈ જશે.

આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ પણ સક્રિયપણે જોડાઈ છે. રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે તેઓ ખસરા નંબર 596, 611 કે પછી તેની સાથે જોડાયેલા અન્ય ખસરા નંબર 612 પર કોઈપણ સંજોગોમાં નમાઝ અદા કરવા નહીં દે. જો મુસ્લિમ સમુદાયે નમાઝ પઢવી જ હોય, તો તેમણે ભોજશાળા પરિસરથી દૂર અન્ય કોઈ યોગ્ય વૈકલ્પિક જગ્યાએ જવું જોઈએ. સ્થાનિકોના ભારે વિરોધને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો છે.

સંબંધિત લેખો

Most Popular