1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય રેલવેની અવિરત કૂચ: વરાળના એન્જિનથી સેમી-હાઇસ્પીડ અને ડિજિટલ યુગ સુધીની સફર
ભારતીય રેલવેની અવિરત કૂચ: વરાળના એન્જિનથી સેમી-હાઇસ્પીડ અને ડિજિટલ યુગ સુધીની સફર

ભારતીય રેલવેની અવિરત કૂચ: વરાળના એન્જિનથી સેમી-હાઇસ્પીડ અને ડિજિટલ યુગ સુધીની સફર

0
Social Share

અમદાવાદ, 15 એપ્રિલ 2026: 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈના બોરીબંદરથી થાણે વચ્ચે જ્યારે વરાળના એન્જિને પહેલી વ્હિસલ વગાડી, ત્યારે તે માત્ર એક ટ્રેનની શરૂઆત નહોતી, પરંતુ ભારતના ભાગ્યની નવી દિશા હતી. આજે 173 વર્ષ બાદ, ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા અને આધુનિક રેલ નેટવર્કમાંનું એક બનીને ઉભરી આવ્યું છે. 2026 સુધીમાં રેલવેએ ટેકનોલોજી, સલામતી અને વીજળીકરણના ક્ષેત્રે જે સીમાચિહ્નો સર કર્યા છે, તે ભારતની બદલાતી તસવીર રજૂ કરે છે.

1853માં 14 ડબ્બા અને 400 મુસાફરો સાથે શરૂ થયેલી આ સફર આજે વિરાટ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. વર્ષ 2025-26ના આંકડા મુજબ, રેલવેએ વાર્ષિક 741 કરોડ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા છે. પ્રારંભિક સ્ટીમ લોકોમોટિવ્સથી શરૂ કરીને ડીઝલ અને હવે સંપૂર્ણ વીજળીકરણ તરફની ગતિએ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવી છે. ભારતીય રેલવેએ પર્યાવરણની જાળવણી અને આર્થિક બચત તરફ મોટું ડગલું ભર્યું છે. માર્ચ 2026 સુધીમાં, ભારતના કુલ 70142 બ્રોડગેજ રૂટ કિલોમીટરમાંથી 99.6 ટકા વીજળીકરણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ આંકડો રશિયા (52 ટકા) અને ચીન (82 ટકા) જેવા દેશો કરતા પણ ઘણો આગળ છે. આ પરિવર્તનને કારણે વાર્ષિક આશરે 180 કરોડ લિટર ડીઝલની બચત અને રૂ. 6 હજાર કરોડની આર્થિક રાહત થઈ છે.

ભારતની પ્રથમ સ્વદેશી સેમી-હાઇસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને મુસાફરીનો અનુભવ બદલી નાખ્યો છે. વર્ષ 2025-26માં 3.9 કરોડથી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે. જાન્યુઆરી 2026માં શરૂ થયેલી ‘વંદે ભારત સ્લીપર’ સેવા પણ લાંબા અંતરના મુસાફરોમાં લોકપ્રિય બની છે. મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે રેલવેએ ‘અમૃત ભારત’ ટ્રેનો શરૂ કરી છે. હાલમાં દેશમાં 60 જેટલી આવી ટ્રેનો કાર્યરત છે, જે સસ્તી અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડે છે.

મુસાફરોની સુરક્ષા માટે રેલવેએ ‘કવચ’ને પ્રાધાન્ય આપ્યું છે. અત્યાર સુધીમાં 3100 કિમીથી વધુ રૂટ પર આ સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે અને 24400 કિમી પર કામ પ્રગતિમાં છે. આ ઉપરાંત, 1874 સ્ટેશનો પર એઆઈ-આધારિત વીડિયો સર્વેલન્સ સિસ્ટમ મુકવામાં આવી છે. કેન્દ્રીય બજેટ 2026-27માં રેલવે માટે રૂ. 2.78 લાખ કરોડની વિક્રમી ફાળવણી કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ 508 કિમીના રૂટ પર ઝડપથી આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત, મુંબઈ-પુણે અને દિલ્હી-વારાણસી જેવા સાત નવા હાઇ-સ્પીડ કોરિડોર પર પણ આયોજન ચાલી રહ્યું છે.

જુલાઈ 2025માં લોન્ચ થયેલ ‘RailOne App’ દ્વારા મુસાફરો હવે એક જ પ્લેટફોર્મ પરથી ટિકિટ બુકિંગ, ટ્રેન લોકેશન અને ફરિયાદ નિવારણ જેવી સુવિધાઓ મેળવી રહ્યા છે. આમ વરાળના એન્જિનની સીટીથી શરૂ થયેલી ભારતની આ જીવનરેખા આજે ડિજિટલ અને હાઇ-સ્પીડ યુગમાં પ્રવેશી છે. ભારતીય રેલવે માત્ર પરિવહનનું માધ્યમ નથી, પણ તે દેશના આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન બની ગયું છે.

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન વચ્ચે મંત્રણાની આશાએ સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં તેજીનો ચમકારો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code