1. Home
  2. ગુજરાતી
  3. મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા: વૈશ્વિક બજારો પર મંદી અને મોંઘવારીના ટ્રિપલ એટેકનો ભય, IMFની ચેતવણી
મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા: વૈશ્વિક બજારો પર મંદી અને મોંઘવારીના ટ્રિપલ એટેકનો ભય, IMFની ચેતવણી

મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા: વૈશ્વિક બજારો પર મંદી અને મોંઘવારીના ટ્રિપલ એટેકનો ભય, IMFની ચેતવણી

0
Social Share

નવી દિલ્હી, 15 એપ્રિલ 2026: મધ્ય પૂર્વમાં વકરી રહેલો સંઘર્ષ હવે માત્ર સરહદો પૂરતો મર્યાદિત ન રહેતા સમગ્ર વિશ્વના આર્થિક સ્વાસ્થ્ય માટે ખતરો બની રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ગંભીર ચેતવણી ઉચ્ચારી છે કે જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો વૈશ્વિક વિકાસની ગતિ રૂંધાશે અને મોંઘવારીનો આંકડો આસમાને પહોંચી શકે છે. ઉર્જા બજારો અને શિપિંગ રૂટ પર સર્જાયેલા અવરોધોને કારણે આર્થિક અસ્થિરતાનું વાદળ ઘેરાયું છે.

IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બો લીએ જણાવ્યું હતું કે વર્તમાન ભૌગોલિક-રાજકીય તણાવ વૈશ્વિક અર્થતંત્ર પર ‘ટ્રિપલ એટેક’ સમાન સાબિત થશે. ઈંધણ અને ખાદ્ય ચીજોના ભાવમાં અસહ્ય વધારો, જીડીપી ગ્રોથ રેટમાં નોંધપાત્ર ઘટાડો અને શેરબજાર તથા રોકાણકારોમાં ડરનો માહોલ જોવા મળશે.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના નિષ્ણાત ટિમ ગોલ્ડના મતે, અત્યારે તેલના પુરવઠામાં દૈનિક 1.3 કરોડ બેરલનો ઘટાડો નોંધાયો છે. આ આંચકો 1970ના દાયકાના ઐતિહાસિક તેલ સંકટ કરતાં પણ બમણો મોટો છે. લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) ના સપ્લાય રૂટ ખોરવાતા આગામી અઠવાડિયાઓમાં યુરોપ અને એશિયાના દેશોમાં ઉર્જાની તંગી સર્જાઈ શકે છે.

  • કોને કેટલી અસર થશે?

વૈશ્વિક ગ્રોથ: વિશ્વના કુલ વિકાસ દરમાં 20 થી 30 બેસિસ પોઈન્ટનો ઘટાડો થવાનું અનુમાન છે.
યુરોપ: રશિયા-યુક્રેન બાદ હવે આ સંકટથી યુરોપિયન દેશો સૌથી વધુ પ્રભાવિત થશે.
એશિયા: ભારત અને ચીન જેવા મોટા આયાતકારો પર આર્થિક બોજ વધશે.
અમેરિકા: પોતાની ઉર્જા ક્ષમતાને કારણે અમેરિકા પર તેની અસર પ્રમાણમાં ઓછી રહેશે.

વર્તમાન સંકટને જોતા વિશ્વના દેશો હવે પોતાની આર્થિક નીતિઓમાં મોટો ફેરફાર કરી રહ્યા છે. ઉર્જા માટે કોઈ એક ક્ષેત્ર પર નિર્ભર રહેવાને બદલે અન્ય વિકલ્પોની શોધ, ઈંધણ અને ગેસના અનામત ભંડાર વધારવા પર ભાર અને રિન્યુએબલ એનર્જી અને ન્યુક્લિયર પાવરમાં રોકાણ ઝડપી બનાવવાની દિશામાં આગળ વધવુ પડશે. નિષ્ણાતોના મતે, આ સંઘર્ષની સૌથી વિપરિત અસર ગરીબ અને વિકાસશીલ દેશો પર પડશે. મોંઘી આયાતને કારણે સામાન્ય જનતાની ખરીદશક્તિ ઘટશે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી અને અસમાનતામાં વધારો કરી શકે છે.

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન વચ્ચે મંત્રણાની આશાએ સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં તેજીનો ચમકારો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code