શહેરી વિકાસમાં ક્રાંતિ: રૂ. 1 લાખ કરોડના અર્બન ચેલેન્જ ફંડનો પ્રારંભ, નાના શહેરોને મળશે ક્રેડિટ ગેરંટી
નવી દિલ્હી, 15 એપ્રિલ 2026: દેશના શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધિરાણ પદ્ધતિને વધુ મજબૂત અને પરિવર્તનશીલ બનાવવા માટે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે આજે ‘અર્બન ચેલેન્જ ફંડ’ અને ‘ક્રેડિટ રિપેમેન્ટ ગેરંટી સબ-સ્કીમ’ની ઓપરેશનલ ગાઈડલાઈન્સ લોન્ચ કરી છે. આ પહેલ ‘વિકસિત ભારત @2047’ ના લક્ષ્યને હાંસલ કરવા માટે શહેરોને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, આ ફંડ માત્ર ગ્રાન્ટ આપવા માટે નથી, પરંતુ જાહેર ભંડોળનો ઉપયોગ કરીને મોટા રોકાણોને આકર્ષવા માટેનું એક માધ્યમ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અમૃત અને સ્માર્ટ સિટીઝ જેવા મિશન બાદ હવે પછીનો તબક્કો શહેરોને રોકાણ માટે તૈયાર અને આર્થિક રીતે ટકાઉ બનાવવાનો છે.
અર્બન ચેલેન્જ ફંડ હેઠળ કુલ રૂ. 1 લાખ કરોડની કેન્દ્રીય સહાયની જોગવાઈ કરવામાં આવી છે. 90 હજાર કરોડ વિવિધ શહેરી પ્રોજેક્ટ્સ માટે, 5 હજાર કરો પ્રોજેક્ટની પૂર્વ તૈયારી અને ક્ષમતા નિર્માણ માટે અને પાંચ હજાર કરોડ ક્રેડિટ રિપેમેન્ટ ગેરંટી સબ-સ્કીમ માટે ફાળવવામાં આવ્યાં છે. કેન્દ્રીય સહાય પ્રોજેક્ટ ખર્ચના મહત્તમ 25 ટકા સુધી મર્યાદિત રહેશે. બાકીનું ઓછામાં ઓછું 50 ટકા ભંડોળ મ્યુનિસિપલ બોન્ડ્સ, બેંક લોન અને PPP મોડેલ દ્વારા એકત્ર કરવાનું રહેશે, જે શહેરોમાં નાણાકીય શિસ્ત લાવશે.
ક્રેડિટ રિપેમેન્ટ ગેરંટી યોજના ખાસ કરીને ટાયર-II અને ટાયર-III શહેરો તેમજ પહાડી અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના શહેરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ સ્કીમ દ્વારા નાના શહેરો બજાર-આધારિત ધિરાણ મેળવવા માટે સક્ષમ બનશે. આ ફંડ મુખ્યત્વે જૂના શહેરના વિસ્તારો અને બજારોનો પુનઃવિકાસ, શહેરી ગતિશીલતા અને લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી અને પાણી, સ્વચ્છતા અને ક્લાઈમેટ-રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પરિવર્તનકારી પ્રોજેક્ટ્સને ટેકો આપશે.
આ પ્રસંગે શહેરોને નાણાકીય સંસ્થાઓ અને રેટિંગ એજન્સીઓ સાથે જોડતી ઈ-ડિરેક્ટરી પણ લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંત્રાલય અને રાજ્યો વચ્ચે ડિજિટલ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ યોજના નાણાકીય વર્ષ 2025-26 થી 2030-31 સુધી અમલમાં રહેશે, જેનો ઉદ્દેશ્ય ભારતના શહેરોને નવા ગ્રોથ હબ બનાવવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઓડિશા સહિતના રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જ્યારે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ વીડિયો સંદેશ દ્વારા આ પહેલને આવકારી હતી.


