HomeAgency Newsઉત્તરપ્રદેશમાં રેજિમ ચેન્જ આંદોલનમાં હિંસા કરનાર સરકારી નોકરીથી વંચિત રહેશે

ઉત્તરપ્રદેશમાં રેજિમ ચેન્જ આંદોલનમાં હિંસા કરનાર સરકારી નોકરીથી વંચિત રહેશે

લખનૌ, 29 ઑક્ટોબર, 2026: ‘regime change’ ઉત્તરપ્રદેશમાં સરકારી નોકરી મેળવવા માટેના કેરેક્ટર ચકાસણીના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ‘શાસન પરિવર્તન’ (રિજીમ ચેન્જ) માટે રાજ્યમાં કોઈપણ પ્રકારના હિંસક પ્રદર્શનોમાં સામેલ થવામાં જેનું નામ આવ્યું હશે અથવા તો જેની સામે કેસ નોંધાયેલો હશે તેમને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારની સેવાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને હવે ચરિત્ર અને ભૂતકાળની વિગતોનું ચકાસણી કાર્ય પૂરું થયા પહેલાં પ્રોવિઝનલ નિમણૂક પત્ર આપવામાં આવી શકશે. જોકે, સંવેદનશીલ અને સુરક્ષા સાથે જોડાયેલાં પદ પર નિમણૂક કરતા પહેલાં વિસ્તૃત તપાસ કરવી અનિવાર્ય રહેશે. કેટલાક ગંભીર અપરાધોમાં સામેલ થયેલા ઉમેદવારો સરકારી નોકરી માટે અપાત્ર ગણવામાં આવશે. રાજ્યના મુખ્ય સચિવ એમ. દેવરાજે આ અંગે બુધવારે નવી નીતિ જારી કરી હતી.

ચરિત્ર ચકાસણીની નવી વ્યવસ્થા

આ નીતિ અંતર્ગત સરકારી વિભાગોની સાથે-સાથે નિગમો, પરિષદો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ, ઉપક્રમો, પંચાયતો અને સ્થાનિક નિકાયોમાં થતી સીધી ભરતીની નિમણૂકો માટે એકસમાન વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. અગાઉથી લંબિત પડેલા મામલાઓનો નિકાલ પણ આ જ નીતિના આધારે કરવામાં આવશે. તમામ સંબંધિત અધિકારીઓને આ નીતિનું કડકાઈથી પાલન કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. નિમણૂક પ્રાધિકારી ઉમેદવારની સંપૂર્ણ વિગતો પોલીસ મહાનિર્દેશક (ગુપ્તચર), ગૃહ જિલ્લાના જિલ્લા અધિકારી અને તે જિલ્લાઓના જિલ્લા અધિકારીઓને મોકલશે, જ્યાં ઉમેદવાર છેલ્લા પાંચ વર્ષમાં એક વર્ષથી વધુ સમય સુધી રહ્યા હોય.

ચરિત્ર ચકાસણીની પ્રક્રિયા

જિલ્લા અધિકારી, જિલ્લા પોલીસ વમુખ પાસેથી રિપોર્ટ મેળવીને પોતાનો રિપોર્ટ નિમણૂક પ્રાધિકારીને મોકલશે. સામાન્ય કેસોમાં પોલીસ અને સ્થાનિક ગુપ્તચર એકમ પોતાના અભિલેખોના આધારે તપાસ કરશે. આ માટે ઉમેદવારની રૂબરૂ ઉપસ્થિતિ, પૂછપરછ કે વધારાના દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. વિશેષ કેસોમાં નિમણૂક પ્રાધિકારીના આદેશથી સ્થળ પર જઈને તપાસ કરાવી શકાશે. જો પોલીસ રિપોર્ટ પ્રતિકૂળ હશે તો જિલ્લા અધિકારી ઉમેદવારને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપશે. અન્ય રાજ્યમાં નિર્ધારિત સમયગાળા સુધી રહેલા ઉમેદવારોના વેરિફિકેશનમાં સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસવડા પાસેથી પણ અભિપ્રાય લેવામાં આવશે.

ઉમેદવારોએ અરજી અને સ્વ-ઘોષણા પત્ર (સેલ્ફ-ડિક્લેરેશન)માં જણાવવું પડશે કે તેમની ક્યારેય ધરપકડ કરવામાં આવી છે કે નહીં, તેમની સામે કેસ ચાલ્યો છે કે નહીં અને કોઈ અદાલતે તેમને દોષિત ઠેરવ્યા છે કે નહીં. આ ઉપરાંત અગાઉની નોકરીમાંથી બરતરફી અને અયોગ્ય સાધનોનો ઉપયોગ કરવાને કારણે કોઈ આયોગ કે બોર્ડ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યા હોવાની વિગતો પણ આપવી પડશે. જો માહિતી છુપાવવામાં આવશે તો નિમણૂક રદ કરવામાં આવી શકે છે.

અગાઉથી નિયુક્ત થયેલી વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી પડશે. જોકે, અરજીમાં અપરાધિક મામલા કે ધરપકડનો ઉલ્લેખ ન કરવા છતાં જો ઉમેદવાર મેડિકલ ટેસ્ટ, પ્રમાણીકરણ, વેરિફિકેશન કે સ્વ-ઘોષણા પત્રમાં તેની લેખિત જાણકારી આપી દે છે, તો માત્ર આ જ આધારે તેની ઉમેદવારી રદ કરવામાં આવશે નહીં.

આ મામલાઓમાં આરોપ નક્કી થાય તો નહીં મળે નોકરી

હત્યા, તોફાન, દેશદ્રોહ, ખંડણી માટે અપહરણ, બળાત્કાર, દહેજ હત્યા અને પોક્સો (POCSO) અધિનિયમ સાથે જોડાયેલા મામલાઓમાં આરોપ નક્કી થવા પર કે દોષિત ઠેરવવામાં આવવા પર ઉમેદવારને સરકારી નોકરી મળશે નહીં. આ ઉપરાંત, નકલ કરાવનાર ગેંગ, પેપર લીક કરનાર, સોલ્વર ગેંગ, બીજાની જગ્યાએ પરીક્ષા આપનાર અને નકલી પ્રમાણપત્રો બનાવનાર પણ નોકરી માટે અપાત્ર રહેશે.

ડિજિટલ એરેસ્ટ અને UPI દ્વારા છેતરપિંડી જેવા સાયબર અપરાધોમાં સામેલ લોકો પર પણ આ નિયમ લાગુ થશે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA), અને ગેંગસ્ટર એક્ટ સાથે જોડાયેલા મામલાઓમાં પણ ઉમેદવારોને સરકારી નોકરી માટે અયોગ્ય માનવામાં આવશે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular