1. Home
  2. ગુજરાતી
  3. આતંકવાદ ફેલાવનાર સિંધુ જળ કરારના ફાયદાની આશા ન રાખે: ભારત
આતંકવાદ ફેલાવનાર સિંધુ જળ કરારના ફાયદાની આશા ન રાખે: ભારત

આતંકવાદ ફેલાવનાર સિંધુ જળ કરારના ફાયદાની આશા ન રાખે: ભારત

0
Social Share

નવી દિલ્હી, 19 જૂન 2026: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. ભારતે વર્ષ 1960ના ‘સિંધુ જળ કરાર’ને વર્તમાન સમય પ્રમાણે જૂનો અને અપ્રાસંગિક ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જે દેશ આતંકવાદને પોતાની સત્તાવાર સરકારી નીતિ તરીકે વાપરે છે, તે મિત્રતા અને સહયોગના ફાયદાની અપેક્ષા રાખી શકે નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ અનુપમા સિંહે પાકિસ્તાનના તમામ પાયાવિહોણા આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, “સિંધુ જળ કરાર પર ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે. એ વાત તર્કથી પર છે કે એક તરફ પાકિસ્તાન આતંકવાદની નિકાસ કરે છે અને બીજી તરફ સદ્ભાવના પર ટકેલી સંધિનો લાભ મેળવવા ઈચ્છે છે.”

ભારતીય રાજદ્વારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 1960માં થયેલો આ કરાર હવે ઘણો જૂનો થઈ ચૂક્યો છે. બદલાતા સમય સાથે કોઈ પણ તકનીકી વ્યવસ્થા સ્થિર રહી શકે નહીં. છ દાયકા જૂની આ સંધિને આજની વાસ્તવિકતાથી અલગ રાખી શકાય નહીં. સરકારી આંકડા મુજબ, પાકિસ્તાન તેની 80 ટકા ખેતી અને 93 ટકા પાણીની જરૂરિયાતો માટે સિંધુ નદી તંત્ર પર જ નિર્ભર છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે આ કરારને ત્યાં સુધી સ્થગિત કરી દીધો છે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી થતા આતંકવાદને સંપૂર્ણપણે બંધ ન કરે.

અનુપમા સિંહે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પરથી સલાહ આપી છે કે, તે ભારતના આંતરિક મામલામાં દખલ કરવાના બદલે પોતાના ઘરની સ્થિતિ સુધારે. ભારતે પાકિસ્તાનને ‘ફ્રેન્કેસ્ટાઇન સ્ટેટ’ ગણાવ્યું હતું. ભારતે ઉમેર્યું કે, પાકિસ્તાન પોતે જ આતંકી સંગઠનોને ઉછેરે છે અને જ્યારે એ જ રાક્ષસ તેની સામે પડે છે, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી પોતે આતંકીઓને તાલીમ આપવાની વાત ગર્વથી સ્વીકારે છે, તેમ છતાં પાકિસ્તાન જગત સામે પોતાને આતંકવાદ પીડિત તરીકે રજૂ કરે છે. આ પાકિસ્તાનનો બેવડો ચહેરો છે.

  • કાશ્મીર મુદ્દે OIC અને પાકિસ્તાનનો ભ્રમ ભાંગ્યો

ભારતીય રાજદ્વારીએ જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના નિવેદનોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનનો આ દુષ્પ્રચાર તેની પોતાની સ્થાનિક નિષ્ફળતાઓને છુપાવવાનો એક નિષ્ફળ પ્રયાસ માત્ર છે. ભારતે ફરી એકવાર વૈશ્વિક મંચ પરથી દોહરાવ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે. હવે માત્ર એક જ મુદ્દો બાકી છે અને તે છે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના ભારતીય વિસ્તારો (PoK)ને મુક્ત કરાવવાનો. ભારતે અંતમાં સ્પષ્ટ કહી દીધું કે પાકિસ્તાનની આવી જૂની ચાલબાજી હવે આંતરરાષ્ટ્રીય મંચો પર ચાલવાની નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code