લખનૌ, 4 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી ઐતિહાસિક શાહી જામા મસ્જિદમાં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને જિલ્લા વહીવટીતંત્રે ફગાવી દીધી છે. મસ્જિદ કમિટીએ સરકારી નિયમોના પાલન સાથે લાઉડસ્પીકરની માંગ કરી હતી, પરંતુ તંત્રએ સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું કહીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, શાહી જામા મસ્જિદના સદર (પ્રમુખ) ઝફર અલીએ જિલ્લા વહીવટીતંત્રને એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી 18 ફેબ્રુઆરીથી રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન મસ્જિદમાં નમાઝીઓની સંખ્યામાં મોટો વધારો થાય છે. નમાઝ દરમિયાન ઈમામનો અવાજ તમામ શ્રદ્ધાળુઓ સુધી સ્પષ્ટ રીતે પહોંચી શકે તે માટે સરકારી ધોરણો મુજબ લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી આપવામાં આવે.
ઝફર અલીએ પોતાની અરજીમાં ભાર પૂર્વક જણાવ્યું હતું કે, રમઝાનમાં વિશેષ નમાઝનું આયોજન થતું હોવાથી લાઉડસ્પીકર વિના ઈમામનો અવાજ છેક પાછળ ઉભેલા નમાઝીઓ સુધી પહોંચતો નથી. કમિટી સરકાર દ્વારા નક્કી કરાયેલ ડેસિબલ લિમિટ (અવાજની મર્યાદા)નું ચુસ્તપણે પાલન કરવા તૈયાર છે. તેમણે માત્ર મસ્જિદની અંદરના ભાગે અવાજ રહે તે રીતે વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.
જિલ્લા વહીવટીતંત્રે આ અરજી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ સુપ્રીમ કોર્ટના ધ્વનિ પ્રદૂષણ અંગેના નિર્દેશોનું પાલન કરવા માટે બંધાયેલા છે. જાહેર સ્થળો કે ધાર્મિક સ્થળો પર અવાજની મર્યાદા નિર્ધારિત સીમા (વિસ્તારના ધોરણથી 10 ડેસિબલ વધુ અથવા મહત્તમ 75 ડેસિબલ) થી વધવી જોઈએ નહીં. જો કોર્ટના આદેશોનું ઉલ્લંઘન થશે તો લાઉડસ્પીકર જપ્ત કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
વહીવટીતંત્ર દ્વારા કોઈ ચોક્કસ ટેકનિકલ કારણ આપ્યા વિના અરજી ફગાવી દેવાતા સ્થાનિક સ્તરે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને જ્યારે અરજદારે સરકારી માપદંડો મુજબ પરવાનગી માંગી હતી, ત્યારે તંત્રના આ અચાનક ઇનકારથી મુસ્લિમ સમુદાયમાં ચર્ચા જાગી છે.


