અમેરિકાએ તેલ પરિવહન નેટવર્ક સાથે જોડાયેલી ઈરાનની 50થી વધુ કંપનીઓ અને જહાજો બ્લેકલિસ્ટ
વોશિંગ્ટન, 15 જુલાઈ 2026: વૈશ્વિક ભૂ-રાજકીય તણાવની વચ્ચે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ પોતાના આર્થિક હુમલાઓને વધુ તીવ્ર બનાવી દીધા છે. અમેરિકી નાણા વિભાગના ‘ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ’ દ્વારા ઈરાનના ગેરકાયદેસર તેલ પરિવહન અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને અટકાવનારા એક વિશાળ વૈશ્વિક નેટવર્ક પર કડો પ્રહાર કરવામાં આવ્યો છે. આ મોટી કાર્યવાહી અંતર્ગત ઈરાનના ઉર્જા ક્ષેત્રના દિગ્ગજ ગણાતા મોહમ્મદ હુસૈન શમખાનીના નિયંત્રણ હેઠળ ચાલતા દરિયાઈ વ્યાપારિક નેટવર્ક સાથે જોડાયેલા ૫૦થી વધુ લોકો, શેલ કંપનીઓ અને દરિયાઈ જહાજોને પ્રતિબંધિત સૂચિમાં ધકેલી દેવામાં આવ્યા છે. હોર્મુઝ જલડમરુમધ્યમાં વ્યાપારિક જહાજો પર થયેલા તાજેતરના હુમલા અને વધતા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાનું આ પગલું વૈશ્વિક ઉર્જા બજાર અને દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
અમેરિકી નાણા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ દંડાત્મક પગલાંમાં મુખ્યત્વે મોહમ્મદ હુસૈન શમખાનીના વ્યાપક સમુદ્રી વ્યાપાર તંત્રને નિશાન બનાવવામાં આવ્યું છે. આ કડક કાર્યવાહી અંતર્ગત અસગર અઘિલી દેહકોર્ડી અને બેહઝાદ મોઘદાસ જેવા છ અગ્રણી નામો સહિત ૨૪ કોર્પોરેટ કંપનીઓ અને 20 અત્યાધુનિક દરિયાઈ જહાજો પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. અમેરિકી સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ તમામ આરોપીઓ નાણાકીય બ્રોકરો, લોજિસ્ટિક્સ ઓપરેશન્સ, મરીન મેનેજર્સ અને વિદેશોમાં સ્થાપિત કરવામાં આવેલી શેલ કંપનીઓની એક જટિલ જાળીદાર વ્યવસ્થા દ્વારા વ્યાપારિક પ્રતિબંધોને બાયપાસ કરી રહ્યા હતા. આ કાર્યવાહીના તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધિત પક્ષોની અમેરિકી કાનૂની અધિકારક્ષેત્રમાં આવતી તમામ જંગમ-સ્થાવર સંપત્તિઓ કે કાનૂની હિતોને બ્લોક કરી દેવાયા છે.
-
ઈરાનનું ગેરકાયદેસર તેલ નેટવર્ક તેની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાનઃ અમેરિકા
અમેરિકી વહીવટીતંત્રનું સ્પષ્ટપણે માનવું છે કે ઈરાનનું આ ગેરકાયદેસર તેલ નેટવર્ક તેની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. આ અંગે અમેરિકાના નાણા પ્રધાન સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે ઈરાનનું શાસન કપટ અને છેતરપિંડી પર ટકેલું છે અને શમખાનીનું આ નેટવર્ક તેમના માટે સૌથી વધુ નફો રળી આપતું એન્જિન હતું. બેસેન્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રતિબંધોનો મુખ્ય ઉદ્દેશ્ય એ નાણાકીય જીવનરેખાને કાપી નાખવાનો છે જે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિવહન માટે ખતરો પેદા કરનારી ગતિવિધિઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. વાશિંગ્ટન દ્વારા તેહરાન પર સીધો આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ગેરકાયદેસર શિપિંગ નેટવર્કમાંથી મળતા નાણાંનો ઉપયોગ વ્યાપારિક જહાજો પર થતા હુમલાઓના ફંડિંગ માટે કરવામાં આવતો હતો.
અમેરિકાની આ ચોતરફી કાર્યવાહીના વૈશ્વિક સ્તરે દૂરગામી પરિણામો જોવા મળી શકે છે. શેલ કંપનીઓ અને પ્રોક્સી સેટઅપનો ભંડાફોડ થવાને કારણે ઈરાન માટે પોતાના ક્રૂડ ઓઈલને વિદેશી બજારોમાં વેચવું અને તેની રકમ પરત તેહરાન લાવવી અત્યંત મુશ્કેલ બની જશે. બીજી તરફ, ઈરાનના ઓઈલ શિપિંગ નેટવર્ક પર સીધી ચોટ વાગવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી શકે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોમાં ઉછાળો આવવાનું દબાણ વધશે. આ કડક આર્થિક પ્રહાર બાદ હોર્મુઝની ખાડીમાં અમેરિકી સેના અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ઘેરો બનવાની આશંકા છે, જેના કારણે વૈશ્વિક વેપારનો સૌથી મહત્વપૂર્ણ ગણાતો આ દરિયાઈ કોરિડોર પ્રભાવિત થઈ શકે છે.


