મોદી સરકારની મોટી વ્યૂહરચના: બંધારણ સુધારા બિલ માટે વિપક્ષી દળોનું થ્રી-લેયર પ્લાનિંગ, DMK અને NCP પર નજર
-
ચોમાસુ સત્રમાં પરિસીમન અને મહિલા અનામત બિલ પસાર કરાય તેવી શકયતા
-
સરકારની 2/3 બહુમતી મેળવવાની કવાયત તેજ
નવી દિલ્હી, 15 જુલાઈ 2026: આગામી ચોમાસુ સત્રમાં પરિસીમન અને મહિલા અનામત સંબંધિત મહત્વપૂર્ણ બંધારણીય સુધારા વિધેયકને પસાર કરાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની રણનીતિને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. સંસદમાં ગૃહની વર્તમાન સ્થિતિ મુજબ બે તૃતીયાંશ (2/3) બહુમતી સુનિશ્ચિત કરવા માટે સરકારે વિપક્ષી દળોને ત્રણ અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચીને રણનીતિ ઘડી છે. તાજેતરમાં જ ઇન્ડિ ગઠબંધનથી છેડો ફાડનાર ડીએમકે, શરદ પવારની એનસીપી (એસપી) અને જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન મેળવવા માટે બેકચેનલ વાટાઘાટો ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે વિપક્ષોની ત્રણ કેટેગરી બનાવી છે, જે અનુસાર, પ્રથમ બિલનો વિરોધ કરનારા પક્ષો, બીજી સમર્થન આપી શકે તેવા સંભવિત પક્ષો, અને ત્રીજી કેટગરી અનુસાર મતદાનથી દૂર રહીને સરકારને પરોક્ષ મદદ કરી શકે તેવા પક્ષો. હાલની સ્થિતિ જોતાં સરકારને વધારાના 54 થી 60 મતોની જરૂર છે. જો ડીએમકેના 22, એનસીપીના 8 અને વાયએસઆર કોંગ્રેસના ચાર સાંસદોસમર્થન આપે તો સરકારની મુશ્કેલીઓ સરળ થઈ જશે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર જૂથ અને શિવસેના (UBT) ના સાંસદોના પક્ષપલટા બાદ બદલાયેલા સમીકરણો વચ્ચે, સરકાર આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં આ બિલ રજૂ કરે તેવી સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ટીએમસીમાં ભંગાણ પડ્યું હતું. તેમજ ઉદ્ધવ ઠાકરેના જૂથ શિવસેના સહિતના પક્ષોમાં આંતરિક જૂથબંધી સામે આવી હતી. જેનો પરિણામ ભાજપાને થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.


