ઓપરેશન સિંદૂરનો ફફડાટ: પાકિસ્તાને સરહદ પર ડ્રોન જાસૂસી તેજ કરી, પંજાબમાં હાઈ-એલર્ટ
અમૃતસર, 21 એપ્રિલ 2026: ભારત દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન અંદરથી હચમચી ગયું છે. સરહદ પારથી હવે માત્ર નશીલા પદાર્થોની તસ્કરી જ નહીં, પરંતુ ભારતીય સરહદી વિસ્તારોમાં જાસૂસી કરવા માટે ડ્રોન ગતિવિધિઓમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પંજાબના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન હવે પહેલા કરતા વધુ ઊંડાણ સુધી પહોંચી રહ્યા છે, જેણે ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના સીધા સમર્થનથી ડ્રોન દ્વારા ડ્રગ્સ અને હથિયારો મોકલવાની સાથે હવે ભારતીય સૈન્ય ચોકીઓ અને સંવેદનશીલ વિસ્તારોની દેખરેખ (મોનિટરિંગ) કરવામાં આવી રહી છે. પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ડ્રોન દ્વારા હવે માત્ર નશો જ નહીં, પરંતુ આઈઈડી, આરડીએક્સ, બેટરી અને હેન્ડ ગ્રેનેડ જેવી ખતરનાક વિસ્ફોટક સામગ્રી પણ પાડવામાં આવી રહી છે.
દરમિયાન વધતા જતા ડ્રોન ખતરાને પહોંચી વળવા માટે તાજેતરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં સુરક્ષા નિષ્ણાતો અને વિવિધ એજન્સીઓના વડાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં સીમા સુરક્ષા દળ, ભારતીય સેનાની પશ્ચિમી કમાન, વાયુસેના (ચંદીગઢ), પંજાબ પોલીસ, નેનો સાયન્સ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ ભાગ લીધો હતો. આ બેઠકનો મુખ્ય એજન્ડા ડ્રોન હુમલા અને જાસૂસી રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને અદ્યતન એન્ટી-ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવો હતો.
સીમા સુરક્ષા દળના અધિકારીના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની હિલચાલ વધુ આક્રમક બની છે. જોકે, બીએસએફ અને પંજાબ પોલીસે સંયુક્ત રીતે અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. સરહદ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય કરી દેવામાં આવી છે. રાજ્યની મહત્વની સંસ્થાઓને ઉડાવી દેવાની ધમકીઓ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ સરહદી ગામોના લોકોને પણ સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ અવાજ કે ડ્રોન દેખાય તો તરત જ જાણ કરવા સૂચના આપી છે. સેના અને પોલીસનું માનવું છે કે પાકિસ્તાન કોઈ મોટા આતંકી ષડયંત્રની ફિરાકમાં છે, પરંતુ ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ સામે દુશ્મનોના તમામ પ્લાન નિષ્ફળ જશે.


