1. Home
  2. revoinews
  3. એસ્ટેરાસી કૂળના ગલગોટા, મેરીગોલ્ડ, ટેગીઝથી થતા નુકસાન વિશે પણ જાણવું જોઈએ
એસ્ટેરાસી કૂળના ગલગોટા, મેરીગોલ્ડ, ટેગીઝથી થતા નુકસાન વિશે પણ જાણવું જોઈએ

એસ્ટેરાસી કૂળના ગલગોટા, મેરીગોલ્ડ, ટેગીઝથી થતા નુકસાન વિશે પણ જાણવું જોઈએ

0
Social Share

વૈદ્ય પારુલ જોષી

અમદાવાદમાં દશેરાના દિવસે વાહનો, ઘર કે કાર્યાલયો પર તમને વિવિધ આકાર અને હવે રંગનાં ગલગોટા જ ગલગોટા દેખાશે. ફૂલોની એટલી બધી ખપત કે આજુબાજુના ગામોએ અનાજ વગેરે પાકો લેવાનું છોડી, આ રોકડીયો પાક લેવા તરફ વળ્યા. પણ જ્યારે ટ્રેક્ટરોની ટ્રોલીઓ ભરી ભરીને ફૂલ ફેંકવાનો વારો આવે, તો માત્ર આર્થિક જ નહીં, પર્યાવરણમાં પણ નુકસાનકર્તા બને છે. તેવું આ વર્ષે ન બને, અને અનાજની ઉપજના ભોગે અન્ય પાક તરફ ન વળીયે, એવું કરી શકાય.

ભારતીય મૂળની વનસ્પતિઓનું વર્ગીકરણ, તેમના ગુણોનાં આધારે સામાન્ય સમજી શકાય તેવી ભાષામાં છે, તેથી ઉપયોગકર્તાને સમજવામાં સારું રહે છે – કીટભક્ષી, ઝેરી, પરોપજીવી, શોષક, જ્યોતિષીય મહત્ત્વ ધરાવતી, હવા ચોખ્ખી કરનારા, મચ્છર જેવા જીવાતોને દૂર કરનારા વગેરે વનસ્પતિઓ. આધુનિક સમયમાં વર્ગીકરણનો પ્રકાર, સમય પ્રમાણે બદલાયો પણ ભાષા વિદેશી તથા અતિશય અટપટી હોઈ, તજ્જ્ઞ સિવાય કોઈને સમજવું અઘરું પડે છે. આજે જે અનેક ઘાતક રસાયણોનાં અત્યધિક ઉપયોગ છતાં મચ્છર, વગેરે જીવો જન્ય રોગો અને તેમના ઉપદ્રવો નથી ઘટ્યા, ત્યારે આપણે વનસ્પતિઓની મદદ લઈ, પોતાના અને પર્યાવરણ સાથે ખેતીનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવાનો પ્રયત્ન સતત કરતા રહીએ.

આ પણ વાંચોઃ ઈઝરાયલી વનસ્પતિ સૃષ્ટિને નષ્ટ કરનાર એલિપ્પો પાઈન – પાઈનસ હેલીપેન્સીસ

વર્ષાયુ ગલગોટાનાં છોડનાં પુષ્પો આકર્ષક રંગને લીધે દેખાવે સુંદર, આપણા મનને પ્રસન્ન કરનારી સુગંધ પણ મચ્છરો; એફિડ, કાષ્ઠકીટ અથવા ઈલપેન, સફેદ માખી, લેડીબગ (લેડીબર્ડ) પરિવારની મેક્સિકન બીન બીટલ જીવાત – જે સોયાબીન, વાલ જેવા કઠોળના પાકને નુકસાન કરે, સ્ક્વેશ બગ, ટોમેટો હોર્ન જીવાતો જે પાકના છોડના કુમળા પાન, ડાળીઓનો રસ ચૂસી, તેને નુકસાન પહોંચાડતા નાના જીવડાંઓને તે અપ્રિય હોઈ, તેમને દૂર રાખે છે. એટલે આંગણામાં, ઘરમાં ગલગોટા વાવવા.

સ્મરણ રહે પીળું તે બધું સોનું નથી. નાહૂઆ જાતિમાં સેમ્પોહૌલક્ઝોચીટલથી ઓળખાતા આ છોડને, મધ્ય અને દક્ષિણ મેક્સિકો, લેટિન અમેરિકામાં ઉગાડતા. ત્યાંથી વિશ્વમાં ફેલાયા છે. મેરી ગોલ્ડ નામમાં વર્જિન મેરીને યાદ કરાયા છે. ટેગીસ – ગલગોટાની કેટલીક પ્રજાતિઓ હરણ, સસલા, ઉંદર, છછુંદર, મચ્છર પ્રતિરોધક છે. ગલગોટા જ્યાં પણ ઉગ્યા હોય, તેના પુષ્પો પતંગિયા અને ભમરાને અચૂક આકર્ષે છે જે પર્યાવરણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. બગીચામાં ક્યારાની વાડ કરવાથી, ફૂલ તોડી લીધા પછી નકામા થયેલા કે સૂકાઈ ગયેલા છોડનાં ટુકડા કરી, બગીચા કે ક્યારામાં પાથરવાથી, જૈવિક ખાતર બનવા સાથે સુગંધ મળે છે. ભોંયરામાં, પાર્કિંગમાં, શેડ, ગરાજ કે એન્જિન કમ્પાર્ટમેન્ટને સુગંઘિત અને મચ્છર, ઉંદર, છછુંદરના ત્રાસથી મુક્ત રાખવા, વારંવાર ગલગોટાનું તેલ લગાવતા રહેવું.

આ પણ વાંચોઃ વનસ્પતિ સૃષ્ટિઃ વિશ્વના સહુથી ઝેરી વૃક્ષોમાંનું એક માન્ચીનીલવૃક્ષ

ટેગીસ – ગલગોટાની સહુથી પ્રચલિત પચાસ પ્રજાતિઓમાંથી ભારતમાં મહદ અંશે પ્રાપ્ત જાતિઓને ઓળખીએ –

(1) ટેગીસ ઈરેક્ટા, આફ્રિકન પ્રજાતિ, દડા જેવા કેસરી, પીળા રંગનાં ફૂલોમાં કેરાટેનોઈડ લ્યુટિન રસાયણ પુષ્કોળ છે. તેમનો ઉપયોગ યુરોપમાં ખોરાકને રંગવા માટે યુરોપીયન ફુડસેફ્ટી ઓથોરીટી એ લ્યુટીન (આઈ.એન.એસ.-ઈ161બી નામથી)ને ખોરાકના રંગ તરીકે મંજુરી આપેલી હોઈ, પાસ્તાની વાનગીઓ, દૂધઘરની વાનગીઓ, વાનસ્પતિક તેલ, માર્ગરીન, બેકરીની વાનગીઓ, સલાડના ડ્રેસિંગમાં, માયોનૈસ, પયોહીમ – આઈસ્ક્રીમ, યોગર્ટ, સાઈટ્રસજ્યુસ, સરસીયામાં ઉમેરાય છે. અમેરિકામાં તેના ચૂર્ણ અને સારને પશુદાણમાં ઉમેરવા પૂરતી જ મંજુરી છે. એ જ વસ્તુ આપણે દૈનંદિન વાપરીને આધુનિક હોવાનો ગર્વ કરી ફરીયે. ડોટમોથ અને લેપીડોપ્ટેરા ઈયળો માટે તે ખાદ્ય છે. બમ્બલ બી અને પતંગીયા માટે તે નેક્ટર – મધનો સ્રોત છે.  હાઈબ્રીડ પ્રજાતિ ગંધહીન હોય છે એટલે આપણને જોઈએ છે તે ગુણો નહીં મળે. મેક્સીકોમાં ડે ઓફ ધ ડેડ ઉજવવામાં ગલગોટાના પુષ્પો વપરાય છે.

વાવણી અંગે સાવચેતી

ટેગીસ પાટુલા, ફ્રેંચ હાઈબ્રીડ પ્રજાતિમાં જાણીતી રસ્ટી રેડ, બટરસ્કોચ, રેડ બ્રોકેડ છે. છોડ ઠીંગણો, 30 – 45 સે.મી. ઉંચો, પુષ્પ નાનાં રફલ્ડ, મહેગની, કાટખાધેલો લાલ કે ચળકતા પીળા એવા વિવિધ રંગનાં હોય છે. તેમની પાંખડીઓ થરના રૂપમાં મળે છે. તેની સુગંધ કસ્તૂરી જેવી તીક્ષ્ણ છે. પણ હાઈબ્રીડ પ્રજાતિ ગંધહીન છે. આ છોડને બગીચાને ઉઠાવ આપવા, ક્યારાની કિનારે વવાય છે. તેના મૂળમાંથી ભૂમિ બેક્ટેરીયા વિરોધી થીયોફેનેસનો સ્રાવ થાય છે, એટલે દ્વીદલ પાક સાથે તેમને ક્યારેય ન વાવવા.

મૂળ આફ્રિકન અને ફ્રેંચ પ્રજાતિઓમાં તીવ્રગંધનું કારણ તેમનામાં રહેલું લિમોનેને ઓસીમેને નામનું કડવું સેસ્ક્યીટર્પેને લેક્ટોનેસ છે. તે ઉંદરવર્ગનાં તીવ્ર સુગંધ પારખુ ગંધતંત્રને માફક આવતું ન હોઈ, તેમને નજીક આવતા રોકે છે. આ ગંધ હરણને તીક્ષ્ણ ઔષધીય વાસ જેવી જણાય છે, એટલે તે પણ દૂર રહે છે. આપણે નીલગાય ને દૂર રાખે છે કે કેમ એ પ્રયોગ કરવા જેવો છે. આ બન્ને પ્રજાતિઓનાં પાન ઉપર ઝીણી ચીકણી રુંવાટીઓ છે એટલે જે પશુ તેમને ખાય, તેમને મોંમાં આ રુંવાટી ન ગમવાની લાગણી જન્માવે, સરવાળે હરણ ગલગોટાના પાન સાથે વાવેલા પાકથી પણ દૂર રહે છે. પણ સીગ્નેટ મેરીગોલ્ડ, ટેગીસ ટેન્યુઈફોલા પ્રજાતિનાં પાન કૂમળા અને લિંબુ જેવી સુગંધવાળા હોઈ, હરણ તેમને પહેલાં ખાય છે.

દક્ષિણ આફ્રિકાની મૂળ પ્રજાતિ

ટેગીસ મીનુટા, હ્યુઆકાટૈ, દક્ષિણ આફ્રિકાની મૂળ પ્રજાતિ છે. દક્ષિણ અમેરિકાના પેરુ, ઈક્વાડોર, ચીલે, બોલીવીયામાં ખાસ જોવા મળતી જંગલી દક્ષિણી જાત છે. બે મીટર જેટલા ઉંચા, સીધા અને ઝડપથી ઉગતા છોડને સંયુક્ત પાન આવે છે. તેનાં સુવર્ણ, કેસરી, ભગવા, પીળા, સફેદ ક્યારેક મરૂન રંગનાં છ સેમી સુધી વ્યાસના પુષ્પોમાં ઉડનશીલ, નિજ તેલ છે જેમાંથી ટાગેટે નામના અત્તર પડાય છે. આ પ્રજાતિની ખેતી એટલે કરાય છે. તેમનો ઉપયોગ ખોરાક અને તમાકુમાં સુગંધ આપવામાં થાય છે. પણ કેટલાક તેને નિંદામણ ગણે છે. તેની ખૂબીઓ જોઈએ તેનો બાગાયતમાં તેમને પંક્તિમાં રોપાય છે.

રંગોની વિવિધતા

પુષ્પોમાં રંગોની વિવિધતા સાથે મીઠી તુલસી, ટારાગોન, મીંટ, લિંબુનો સમ્મિલિત સ્વાદને લીધે તેને વાટી, બટાટા સાથે મેળવી ઓકોપા નામની સ્વાદિષ્ટ વાનગી બનાવી ખવાય છે. પેટ, આંતરડાઓમાં વરસાદમાં અને તે પછી પણ થતી સમસ્યાઓ, તેમાં પણ નેમેટોડ સંક્રમણમાં આની ચા પાણીમાં બનાવી પીવાય છે. મૂળ ભારતીય પ્રજાતિ ઊપર આણે આક્રમણ કરી, તેને ખતમ કરી નાંખી. આ પ્રજાતિનો બાયોમાસ વધારે હોઈ, તેમના ફાઈબ્રસ મૂળો જ્યાં ઉગે તે જમીનમાંથી ઝીંક, લેડ, કેડમીયમ, જેવી ભારે ધાતુઓ અને જમીનનો રસકસ ચૂસી લઈ તેને અન્ય પાક માટે નકામી કરી નાંખે છે. અન્ય પાક વાવતા પહેલાં વર્મીકમ્પોસ્ટ સાથે અન્ય પોષણો ઉમેરવા જરૂરી છે. આ પ્રજાતિના મૂળની ગાંઠમાં રહેલા જીવો, જમીની નેમેટોડની વસ્તી ઘટાડી ગલગોટા પછી વવાતા ટામેટા, મરચાં, તમાકુ જેવા પાકોની વિવિધ જીવાતોથી રક્ષા કરે છે. આ બધાં ભારતીય પાકો નથી. તે જમીનમાં બ્રાડીર્હીઝોબીયમ, પેનિસિલીયમ જેવા જમીન સ્વાસ્થ્ય વધારનારા બેક્ટેરિયાની સંખ્યા વધારી પાક ફેરમાં વપરાય છે.

કેલેન્ડ્યુલા ઓફીસીનેલીસ, ઈંગલીશ મેરીગોલ્ડ, પોટ મેરીગોલ્ડ, પશ્ચિમી હિમાલયમાં ડેઈઝી જેવા પુષ્પો, તેનો ખાસ ઉપયોગ ત્વચાની સંભાળમાં લેપ, તેલ, ક્રિમ બનાવી કરાય છે.

ટેગીસ લુસીડા, મેક્સિકન મીંટ મેરીગોલ્ડ, પેરીકોન પ્રજાતિ ગળપણવાળી છે. તેને સૂકવીને ઔષધીય સુગંધિત ચા બનાવવામાં વાપરે છે.

આજે આપણે જેમને ભારતીય ગણીને વાપરીએ છીએ તે અમેરિકન ટેગીસ ઈરેક્ટા, ટેગીસ પાર્ટુલા, ટેગીસ ટુનુઈફોલિયા વગેરે છે.

આપણા ગુજરાત સિવાય તેલંગણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્નાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશમાં ગલગોટાની ખેતી છે અને તહેવારોમાં વપરાય છે.

ભારતમાં ટેરેક્ટા 60 – 90 સે.મી. ઉંચો છોડ, મોટા ગોળાકાર દડા જેવા, ઘટ્ટ પીળા અથવા કેસરી ફૂલોને પુસા નારંગી, કેસરી ગેંદા, પીળો પુંસા બસંતિ કહે છે.

સારા જલસ્રાવવાળી કોઈ પણ પ્રકારની માટીમાં ગલગોટા સારી રીતે ઊગે છે. ઓછું પાણી મળે તો પણ તે ટકી જાય છે. આગલા વર્ષે ખરેલા બીજમાંથી, પુષ્પ તોડી લીધા પછી પણ એ ડાળી પર ફરી ઊગે છે.

ટેગીસ ટુનુઈફોલિયા, સિગ્નેટ મેરીગોલ્ડનો છોડ ઠીંગણો, પુષ્પો નાનાં, સુકુમાર પાંચ પાંખડીઓવાળા, લિંબુ અથવા પીળા રંગના હોય છે. બગીચા કે ખેતરની વાડ બનાવવામાં વપરાય છે. તે કીટકોને ભગાડનારી પ્રજાતિ છે.

પુંસા નારંગી આઈ.એ.આર.આઈ.એ બનાવેલી ભારતમાં સહુથી લોકપ્રિય જાતિને મોટા, દડા આકારનાં ઘેરા કેસરીરંગના ફૂલ આવે છે, જે હાર બનાવવામાં વપરાય છે.

પુંસા બસંતિ, આકર્ષક ગંધકપીળા રંગના ફૂલો ફૂલદાનીની શોભા બને છે.

ક્રેકરજેક, મોટા, ચળકતો પીળો કે કેસરીરંગના ડબલ ફૂલ છે.

ગોલ્ડકોઈન, ઘટ્ટ, એકસરખા છોડ ઉપર મોટા, સોનેરી પીળા રંગનાં ફૂલ આવે છે.

સામાન્ય રીતે ગલગોટા જમીનનું રસકસ ચૂસી લઈ તેને અન્ય પાકો માટે નકામી બનાવે છે – રેડ લેટેરેટિક જેવી ઓછી ફળદ્રૂપ જમીનમાં પણ તેમને વાવવાથી તે ભૂમીગત નાઈટ્રોજન, ઓર્ગેનિક કાર્બનને નષ્ટ કરે છે. પુષ્પોની સારી ઉપજ માટે પોટાસ્યમ, ફોસ્ફરસ જમીનમાં ઉમેરવા પડે. તો અન્ય મતે તે પુષ્પોની ઉપજ ઘટાડનાર હોઈ, વર્મિકોમ્પોસ્ટ જ ઉમેરવું. જમીનની પી.એચ. 6.5 – 7.5 જાળવવી. જમીનને ફરી વાવણી લાયક બનાવવા કોમ્પોસ્ટ ખાતર કે પોલ્ટ્રી ખાતર ઉમેરવા પડે છે.

શું કરવું જોઈએ?

ગલગોટાના છોડનાં આ ગુણોનો ઉપયોગ કરી – હેવી મેટલ, પેસ્ટિસાઈડ, પેટ્રોલ હાઈડ્રોકાર્બનો જેવા પ્રદૂષિત ભૂમિ, ભૂમિજલ, ત્યજેલા નુકસાનકારક જલના – પાંચ પ્રકારે સંશોધન કરે છે – તેમને અંગ્રેજીમાં ફાઈટોએક્સ્ટ્રેક્શન, ફાઈટોસ્ટેબિલાઈઝેશન, ફાઈટોડીગ્રેડેશન, ફાઈટોવોલેટાઈઝેશન, રાઈઝોફીલ્ટરેશન કહે છે. જમીનના સ્વાસ્થ્યનો માપદંડ એ છે કે ઝેરની માત્રા વધારે હશે, તો છોડનો વિકાસ નહીં થાય. આનો ઉપયોગ કરી, શોધન કરી બાયોફિલ્ટર કરાવીયે.

જમીનમાં રહેલા નેમેટોડ, જમીની બેક્ટેરિયા, ફંગસ-ફુગને ખાઈ ફસાયેલા નાઈટ્રોજન, ઉપયોગી રસાયણોનું આચૂષણ કરી શકાય એવા રૂપમાં મુક્ત કરે છે. એ સિવાય ગલગોટાની પ્રજાતિઓ બગીચામાં રહેલા નુકસાનકારક જીવાતો – ગ્રબ, વીવિલનો નાશ છોડ અને અળશીયાને નુકસાન પહોંચાડ્યા વગર કરે છે. છોડના મૂળની ગાંઠમાં રહેલા નેમેટોડ- ગંડૂપદકૃમિ છોડના પાણી અને પોષણનો રસ્તો રોકે છે એટલે એક જ સ્થળે તેની ઉપરાઉપરી ઉપજ લઈ નથી શકાતી. નેમેટોડ જો મનુષ્ય શરીરમાં પ્રવેશે, તો પાચનસંસ્થામાં ડીસ્ટ્રેસ, અતિશય માત્રામાં ઊતીઓનો નાશ, રચનાત્મક વિકૃતિ ઉત્પન્ન કરે છે. નેમેટોડ પ્રજાતિનાં આ કીટકોનાં નામ વાંચતાંજ આપને ગંભીરતા સમજાશે – હૂકવર્મ, પીનવર્મ, ઉતકોમાં રહેતા ફાઈલેરિયા – હાથીપગું કરનારા, એસ્કેરિયાસિસ કૃમિ, ટ્રીચીનેલ્લા, વગેરે.

લક્ષણ અને ઉપયોગ

માર્શ મેરીગોલ્ડ, કાલ્થા પાલુસ્ટ્રીસ કૂળ રેનેન્કુલાસી, ભારતીય ભૂખંડની મૂળ પ્રજાતિ પશ્ચિમી હિમાલયના ખડકાલ પ્રદેશોમાં 2400 – 4000 મીટર ઉંચાઈ સુધી ઉગેલી મળે છે. તેના ચળકતા હૃદય આકારનાં લીલાછમ પાન અને સોનેરી પીળા ફૂલોનું સૌંદર્ય તેની વિશેષતા છે. આ પુષ્પો ત્વચા સૌંદર્ય નિખારે છે. પુષ્પોની પાંખડીઓને હળદર સાથે પીસી ફોલ્લી, ફોલ્લા, એલર્જી ઉપર, દાઝ્યા કે વાગેલા – ઘસાયેલા ઘા ઉપર લેપ કરવાથી સોજો ઉતરી, રુજ આવી, ચામડી સારી આવે છે. પાનની ચા બનાવી પીવાથી આમાશયના વ્રણ, એસીડીટી મટાડી, પાચન સુધારે છે.

ફૂલોમાં રહેલું લુટીન કુદરતી રંગ છે એટલે વસ્ત્ર, ઔષધ અને આહારને રંગવામાં વપરાય છે. વિવિધ વિદ્યાલયોના અભ્યાસ કહે છે કે, ગલગોટા વાવવા અને ઉછેરવા સહેલા છે. તે ઝડપથી ઉગીને ફળતો વાણીજીક પાક છે પણ તેની ટુંકા અને લાંબા ગાળાની અસરોથી અવગત થઈ લાભ લઈશું.

લેખ વિશે તમારા અભિપ્રાય અહીં જણાવો >>> editor@revoi.in

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code