ગાઝિયાબાદમાં હૃદયદ્રાવક ઘટના: ઓનલાઈન ગેમની લતે 3 બહેનોનો ભોગ લીધો
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ટીલામોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક જ પરિવારની ત્રણ સગીર બહેનોએ બહુમાળી ઈમારતના 9મા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના પાછળ ‘ઓનલાઈન ટાસ્ક બેઝ્ડ કોરિયન ગેમ’ની લત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ભારત સિટી સોસાયટીમાં રહેતા અને ઓનલાઈન ટ્રેડિંગનું કામ કરતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ નિશિકા (ઉ.વ. 16), પ્રાચી (ઉ.વ.14) અને પાખી (ઉ.વ.12) એ મધ્યરાત્રિ બાદ આશરે 2:15 વાગ્યે પોતાના રૂમની બારીમાંથી છલાંગ લગાવી હતી. જે સમયે આ ઘટના બની ત્યારે માતા-પિતા બાજુના રૂમમાં સૂતા હતા. પટકાવાનો અવાજ આવતા સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ અને લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ત્રણેયના કરુણ મોત નીપજ્યા હતા.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, ત્રણેય બહેનો છેલ્લા કેટલાક સમયથી ‘ઓનલાઈન ટાસ્ક બેઝ્ડ કોરિયન લવર ગેમ’ રમવાની આદત ધરાવતી હતી. કોરોના મહામારી બાદથી ત્રણેય દીકરીઓ નિયમિત સ્કૂલે જતી નહોતી અને તેમનો અભ્યાસ પણ લગભગ છૂટી ગયો હતો. દિવસ-રાત મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સમાં વ્યસ્ત રહેવાને કારણે તેઓ માનસિક રીતે અલગ દુનિયામાં સરી પડી હોવાની આશંકા છે.
શાલીમાર ગાર્ડનના એસીપી અતુલ કુમાર સિંહે જણાવ્યું હતું કે, “અમને રાત્રે 2:15 વાગ્યે ભારત સિટીના ટાવર બી-1 ના 9મા માળેથી ત્રણ બાળકીઓ કૂદી હોવાની માહિતી મળી હતી. ત્રણેયને તાત્કાલિક લોની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. પોલીસે ત્રણેયના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને તે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે જેથી જાણી શકાય કે કયા ટાસ્કને કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું.”
આ પણ વાંચોઃ 2026 ના T20 વર્લ્ડ કપમાં 40 ભારતીય ક્રિકેટરો વિદેશી ટીમો તરફથી રમતા જોવા મળશે


