1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીઃ લશ્કરના મોડ્યુલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, બાંગ્લાદેશમાં બેઠો હતો આકા
દિલ્હીઃ લશ્કરના મોડ્યુલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, બાંગ્લાદેશમાં બેઠો હતો આકા

દિલ્હીઃ લશ્કરના મોડ્યુલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, બાંગ્લાદેશમાં બેઠો હતો આકા

0
Social Share

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: દિલ્હીમાં પકડાયેલા લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકી મોડ્યુલને લઈને સુરક્ષા એજન્સીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ મોડ્યુલનો કથિત હેન્ડલર શબ્બીર અહેમદ લોન છે, જેણે બાંગ્લાદેશને પોતાનું સુરક્ષિત ઠેકાણું બનાવ્યું હતું અને ત્યાંથી જ ભારતમાં આતંકી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શબ્બીર સીધો જ લશ્કરના ચીફ હાફિઝ સઈદ અને ઝકી-ઉર-રેહમાન લખવીના સંપર્કમાં હતો. આ આતંકી નેટવર્કમાં હાફિઝ સઈદ માટે ‘ચાચાજી’અને લખવી માટે તાયાજી જેવા કોડનેમનો ઉપયોગ થતો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, વર્ષ 2005માં અબુ અલકામા નામના આતંકીએ શબ્બીર લોનને જેહાદ માટે તૈયાર કર્યો હતો. 2019માં જેલમાંથી છૂટ્યા બાદ શબ્બીર બાંગ્લાદેશની હિલી બોર્ડર મારફતે ભારત આવતો-જતો રહેતો હતો. દિલ્હી અને કોલકાતામાં જોવા મળેલા ભારત વિરોધી પોસ્ટરો પણ આ જ મોડ્યુલ દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરો કોલકાતામાં પ્રિન્ટ થયા હતા, જેની PDF ફાઇલ શબ્બીરે બાંગ્લાદેશથી મોકલી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે, શબ્બીરના નિર્દેશ પર આ મોડ્યુલે કોલકાતાના બહારના વિસ્તારમાં 8 હજાર રૂપિયાના માસિક ભાડે એક મકાન રાખ્યું હતું. હથિયારો ખરીદવા માટે શબ્બીરે 80 હજાર રૂપિયાથી વધુની રકમ મોકલી હતી અને હજુ વધુ નાણાં મોકલવાની તૈયારી હતી. મોડ્યુલના સભ્યો ‘સિગ્નલ’ એપ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા, જેમાં માલદાનો ઉમર ફારૂક શબ્બીર સાથે સતત વાતચીત કરતો હતો.

એજન્સીઓના દાવા મુજબ, શબ્બીર તામિલનાડુથી પકડાયેલા 6 બાંગ્લાદેશી નાગરિકોને કોલકાતા બોલાવવાની યોજના બનાવી રહ્યો હતો. આતંકી હુમલાને અંજામ આપ્યા બાદ આ તમામને સહીસલામત બાંગ્લાદેશ પરત મોકલી દેવાનું ષડયંત્ર હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં પાકિસ્તાની એજન્સી ISIનું નેટવર્ક અત્યંત સક્રિય છે. ત્યાં અંસાર બાંગ્લા ટીમ (અલ-કાયદા સંબધિત), જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB), ન્યૂ JMB અને ઇસ્લામિક છાત્ર શિબિર જેવા કટ્ટરપંથી સંગઠનો મૂળ જમાવી રહ્યા છે. આ ઉપરાંત લશ્કર, જૈશ અને હરકત-ઉલ-જેહાદ-એ-ઈસ્લામી (HUJI) જેવી સંસ્થાઓ પર પણ એજન્સીઓ કડક નજર રાખી રહી છે. સંભવિત આતંકી હુમલાને નિષ્ફળ બનાવવા માટે વિવિધ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ કાશ્મીરઃ જૈશ-એ-મોહમ્મદનાખતરનાક સૈફુલ્લાહ ગ્રુપનો સફાયો, 30 દિવસમાં 8 આતંકી ઠાર મરાયાં

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code