ઈરાન-ઈઝરાયેલ જંગની ભારતને ગંભીર અસર: 1000થી વધુ નિકાસ કન્ટેનર અટવાયા
મુંબઈ, 5 માર્ચ 2026: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાને કારણે સમગ્ર વિશ્વના આયાત-નિકાસ વ્યવસાયમાં ભૂકંપ આવ્યો છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા આ ભીષણ યુદ્ધની સીધી અસર હવે મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (એએનપીટી)પર જોવા મળી રહી છે. આરબ દેશો, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે દરિયાઈ માર્ગો ખોરવાયા છે, જેના પરિણામે હજારો ટન કૃષિ પેદાશો ભરેલા કન્ટેનરો પોર્ટ પર જ થંભી ગયા છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર માત્ર ભારત ઉપર જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશો ઉપર પડી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હાલમાં એએનપીટી પોર્ટ પર 1,000 થી વધુ નિકાસ કન્ટેનર અટવાયેલા છે. આ કન્ટેનરમાં દ્રાક્ષ, ડુંગળી, પપૈયા, દાડમ અને તરબૂચ જેવા નાશવંત કૃષિ ઉત્પાદનો ભરેલા છે. સૌથી વધુ અસર ડુંગળીની નિકાસને થઈ છે. અટવાયેલા કન્ટેનરોમાંથી 150 કન્ટેનર માત્ર નાસિકની ડુંગળીના છે. દરેક કન્ટેનરમાં સરેરાશ 29 થી 30 ટન ડુંગળી છે, એટલે કે અંદાજે 5,400 ટન ડુંગળી પોર્ટ પર પડી રહી છે.
આ માલ મુખ્યત્વે ખાડી દેશો માટે મોકલવામાં આવ્યો હતો, જે દુબઈ થઈને આગળ જવાનો હતો. જોકે, યુદ્ધ જેવી સ્થિતિને કારણે દુબઈનું બજાર અસ્થાયી રૂપે બંધ હોવાના અહેવાલ છે. એટલું જ નહીં, અંદાજે 370 ભારતીય કન્ટેનર જે અગાઉ દુબઈ પહોંચી ગયા હતા, તે પણ ત્યાં જ ફસાઈ ગયા છે. આ રૂટનો ઉપયોગ યુરોપિયન દેશોમાં નિકાસ માટે પણ થાય છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે.
સૌથી મોટી ચિંતા નાશવંત વસ્તુઓની છે. જો સમયસર નિકાસ નહીં થાય તો ખાવા-પીવાની ચીજવસ્તુઓ બગડવા લાગશે. પોર્ટ પર ઉભેલા રેફ્રિજરેટેડ કન્ટેનર દીઠ નિકાસકારોને દરરોજ અંદાજે 8,000 રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. જો સ્થિતિ વધુ લાંબી ખેંચાશે, તો માલ ઉતારવા માટે કન્ટેનર દીઠ વધુ 5,000 થી 6,000 રૂપિયાનો બોજ પડશે. સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર, “જો આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિ સ્પષ્ટ નહીં થાય, તો અમારે માલ પરત મંગાવવો પડશે. તેનાથી ઘરેલુ બજારમાં સપ્લાય વધશે અને ભાવ વધુ ઘટશે, જે ખેડૂતો માટે ‘દોહરી માર’ સમાન હશે.”
હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ એક્સપોર્ટર્સ એસોસિએશન દ્વારા ‘એપિડા’ પાસે માંગ કરવામાં આવી છે કે પોર્ટ પર ઉભેલા કન્ટેનરનો વધારાનો ખર્ચ સરકાર ભોગવે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર પાસે વૈકલ્પિક બિઝનેસ રૂટ શોધવા અને અસરગ્રસ્ત ખેડૂતો તેમજ નિકાસકારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની પણ માંગ ઉઠી છે.
આ પણ વાંચોઃ મધ્ય-પૂર્વમાં યુદ્ધને પગલે ક્રૂડ ઓઈલમાં ભડકો, ભાવ 83 ડોલરને પાર


