1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો પસાર: લગ્નની લાલચ આપી ધર્મ બદલાવનારને 7 વર્ષની જેલ
મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો પસાર: લગ્નની લાલચ આપી ધર્મ બદલાવનારને 7 વર્ષની જેલ

મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો પસાર: લગ્નની લાલચ આપી ધર્મ બદલાવનારને 7 વર્ષની જેલ

0
Social Share

મુંબઈ, 17 માર્ચ 2026: મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે રાત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા ‘ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026’ પસાર કરવામાં આવ્યું છે. આ કાયદો બળજબરી, લાલચ, છેતરપિંડી અથવા લગ્ન દ્વારા કરાવવામાં આવતા ગેરકાયદેસર ધર્માંતરણને રોકવા માટે બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે ધર્માંતરણ કરાવનારા તત્વો સામે કડક કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે.

આ નવા કાયદામાં ગુનેગારો માટે અત્યંત કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે: જો કોઈ વ્યક્તિ લગ્નના બહાને છેતરીને ધર્મ પરિવર્તન કરાવશે, તો તેને 7 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આ ગુનો કોઈ સગીર, મહિલા અથવા એસસી-એસટી સમુદાયના વ્યક્તિ સાથે આચરવામાં આવશે, તો દંડની રકમ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. સામૂહિક રીતે ધર્મ પરિવર્તન કરાવવાના કિસ્સામાં પણ 7 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. જે લોકો વારંવાર આ પ્રકારના ગુનામાં ઝડપાશે, તેમને 10 વર્ષ સુધીની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહમાં બિલ રજૂ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, “આ કાયદો કોઈ ખાસ ધર્મ કે સમુદાયને નિશાન બનાવવા માટે નથી. અમારો હેતુ માત્ર છેતરપિંડી અને લાલચથી થતા ધર્માંતરણને અટકાવવાનો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં અગાઉથી જ આવા કાયદા અમલી છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, “ભારતીય બંધારણ દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાની આઝાદી આપે છે, પરંતુ કોઈને પણ ડરાવી-ધમકાવીને કે લાલચ આપીને ધર્મ બદલાવવાનો અધિકાર નથી. ઘણી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવામાં આવે છે અને બાદમાં તેમને તરછોડી દેવામાં આવે છે, આ કાયદો આવી ઘટનાઓ પર લગામ લગાવશે.”

નવા નિયમો મુજબ, ધર્માંતરણથી પ્રભાવિત વ્યક્તિ પોતે અથવા તેના નજીકના સંબંધીઓ પોલીસમાં ફરિયાદ નોંધાવી શકે છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં પોલીસ પોતાની રીતે પણ કાર્યવાહી કરી શકશે. આ બિલનો મુખ્ય હેતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકોના હકોનું રક્ષણ કરવાનો છે.

આ પણ વાંચોઃ ઇસ્લામોફોબિયાના નામે જૂઠાણું ફેલાવનાર પડોશી દેશ પોતાના આંગણે જ કરી રહ્યો છે અત્યાચારઃ ભારત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code